Amreli Lioness Attack News: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં જંગલી જાનવરના હુમલાની એક અત્યંત કરુણ, ભયાવહ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામે એક સિંહણે યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની માહિતી મળી છે.
રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવકનો શિકાર
પ્રાપ્ત વિગતો અનુસાર, કોવાયા ગામમાં અલ્ટ્રાટેક TPP પાવર પ્લાન્ટ પાસે આવેલી ચાહત રેસ્ટોરન્ટમાં પ્રકાશચંદ્ર નામનો યુવક કામ કરતો હતો. ગત રાત્રીના સુમારે એક સિંહણે અચાનક આ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે સિંહણે યુવકને પોતાનો શિકાર બનાવીને ફાડી ખાધો હતો.
ઘટનાસ્થળના દ્રશ્યો અત્યંત ભયાવહ હતા
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ત્યાંના દ્રશ્યો રૂંવાડા ઉભા કરી દે તેવા હતા.
આ સિંહણના હુમલામાં યુવાનનું શરીર સંપૂર્ણપણે ક્ષત-વિક્ષત થઈ ગયું હતું. ઘટનાસ્થળેથી મૃતક યુવકની માત્ર માનવ ખોપડી, અડધું ખાધેલી હાલતમાં માથું અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા. માનવ શિકારની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને ડરનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: અમરેલીમાં વન્યજીવનો આતંક? સાવરકુંડલામાં 8 દિવસથી ગુમ ખેડૂતના લોહીવાળા કપડાં અને હાડકા મળ્યા
વન વિભાગનું મેગા સર્ચ ઓપરેશન શરૂ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વનવિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા મૃતક યુવકના અવશેષોનો કબજો મેળવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ નરભક્ષી (આદમખોર) સિંહણને વહેલી તકે પકડી પાડવા માટે વનવિભાગ દ્વારા જંગલ અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રામજનોના ભયને જોતા વનવિભાગની તમામ ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.
