Lioness Attack In Pipavav: આજે વહેલી સવારે અમરેલી (Amreli)ના પીપાવાવ પોર્ટ (Pipavav Port) પાસે એક વ્યક્તિ નોકરી પૂર્ણ કરીને બસની રાહ જોઇ રહ્યો હતો એ સમયે સિંહણ અને બાળ સિંહ તેના તરફ ધસી આવ્યા હતા. સિંહણને આવતી જોઇએ સિક્યોરિટી ગાર્ડ અને મંગલ હેગડા નામનો યુવક દોડ્યા હતા. જેથી સિંહણ તેમના તરફ આવી ચડી હતી. સિક્યોરિટી ગાર્ડ જીવ બચાવીને કેબિના ઘૂસી ગયો હતો પંરતુ મંગલ હેગડા પહોંચી ન શકતા સિંહણે તેને દબોચી લીધો હતા. ભારે જહેમત બાદ યુવકને મોતના મુખમાંથી બચાવીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર,અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓના હુમલાઓના કિસ્સા વધી રહ્યાં છે. તેમાં પણ છેલ્લા એકાદ અઠવાડિયામાં આ કિસ્સાઓ વધુ નોંધાયા છે. પીપાવાવમાં પણ સિંહણ દ્વારા 28 વર્ષીય પરપ્રાંતિય યુવક મંગલ હેગડા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સિંહણ કોઇ કાળે યુવકને છોડવા માગતી ન હોય એવી મુદ્રામાં જોવા મળી હતી. એ સમયે આસપાસના વાહન ચાલકો અને બસ દ્વારા સિંહણનો ઘેરાવો કરવામાં આવ્યો અને સિંહણને ડરાવવામાં આવતા આખરે સિંહણે યુવકનો છોડી દીધો હતો.
સિંહણના હુમલાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જોકે તેનો જીવ બચી ગયો હોવાથી હાજર સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો. સિંહણ અને બાળ સિંહ ત્યાંથી જતા રહેતા પીપાવાવ પોર્ટની ખાનગી હોસ્પિટલમાં યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહુવાની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રાજુલા રેન્જને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પહોંચી હતી અને સિંહણે શા માટે હુમલો કર્યો એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
