Loading...

Amreli: વિધર્મી સાથે પ્રેમલગ્ન કરનાર રાજુલાની યુવતીએ 'લવ જેહાદ'ના આરોપ ફગાવ્યા, કહ્યું- 'સમયના બગાડો, મેં મારો ધર્મ નથી બદલ્યો'

મારા પરિવારે પણ કહી દીધુ છે કે, આજથી તું તારા રસ્તે અને અમે અમારા રસ્તો, તો પછી સમાજના આગેવાનો શું કરવા આ બાબતમાં રસ લઈ રહ્યા છે?

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 24 Mar 2026 06:55 PM (IST)Updated: Tue 24 Mar 2026 08:49 PM (IST)
amreli-news-rajula-girl-rejects-love-jihad-claim-says-no-religious-conversion-714580
HIGHLIGHTS
  • પ્રેમલગ્ન કરનાર યુવતીએ વધુ એક વીડિયો દ્વારા ખુલાસો કર્યો
  • ધર્મ બદલવા માટે મારા પણ કોઈ પણ જાતનું દબાણ નથી કરાતું

Amreli: રાજુલા ગ્રામ્યની ગુમ થયેલી યુવતી થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં પોતાના પતિ સાથે પ્રકટ થઈ હતી. જેમાં તેણીએ પોતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે આ યુવતીએ ફરીથી વીડિયો થકી સ્પષ્ટતા કરીને લવ જેહાદના આરોપને નકારી કાઢ્યા છે.

ધર્મ પરિવર્તન માટે મારા પર દબાણ નથી, મેં મારો ધર્મ નથી બદલ્યો

પોતાના નવા વીડિયોમાં નેહા નામની યુવતીએ જણાવ્યું છે કે, મારી સાથે કોઈ લવ જેહાદ નથી થયો. મેં મારો ધર્મ નથી બદલ્યો કે ધર્મ પરિવર્તન કરવા માટે મારા પર કોઈ પણ જાતનું દબાણ નથી કરવામાં આવતું. આટલું જ નહીં, મેં મારા લગ્નની નોંધણી પણ સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કરાવ્યા છે. જેમાં પણ મારો ધર્મ નથી બદલવામાં આવ્યો.

આ સાથે જ યુવતીએ સૌ કોઈને વિનંતી કરતાં જણાવ્યું કે, હવે આ પ્રકરણને વધારે લાંબુ ખેંચીને બધાનો સમય ના વેડફશો. મારા પરિવાર સાથે મારી વાત થઈ ચૂકી છે. તેમને પણ આ મામલે આગળ કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી. મારી માતાએ મને કહી દીધુ છે કે, હવેથી તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે. આથી હવે સમાજના આગેવાનોને શું કામ આ બાબતમાં વધારે રસ લેવા માંગે છે?

25 વર્ષ સુધી લાડકોડથી ઉછરેલી દીકરી, 25 દિવસમાં જ મારા વિરુદ્ધ થઈ ગઈ: પિતા

હકીકતમાં યુવતીના પિતા દ્વારા પોતાની દીકરી સાથે લવ જેહાદ કરવામાં આવી હોવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે, મેં જે દીકરીને 25 વર્ષ સુધી લાડકોડથી ઉછેરી, તે માત્ર 25 દિવસના સંપર્કમાં આટલી હદે બદલાઈ ગઈ અને પરિવારની વિરુદ્ધ થઈ ગઈ. આ જેહાદ નથી તો બીજુ શું છે?

આપણે સૌએ કેરાલા સ્ટોરી વન અને ટૂ જેવી ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ. હવે મારે કેરાલા થ્રી નથી જોવી. મારી દીકરી અણસમજુ અને નાદાન છે. તેને જે રીતે શીખવવામાં આવે, તે રીતનો વીડિયો બનાવી રહી છે. આજે મારી દીકરી ગઈ છે, કાલે બીજા કોઈની જશે. આ ઘટના પાછળ ચોક્કસ ષડયંત્ર કામ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે સરકાર અને પોલીસ સમક્ષ પોતાની દીકરીને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી છે.

નેહાએ પોતાની મરજીથી મોહીશ ફિરાઈ સાથે લગ્ન કર્યાં

હકીકતમાં રાજુલા ગ્રામ્યની યુવતી પોતાના ઘરેથી બ્યુટીપાર્લરનો કોર્સ કરવા જવાના બહાને નીકળ્યા બાદ પરત ના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે લાંબા સમય સુધી નેહાની કોઈ ભાળ ના મળતા આખરે રાજુલા પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ હિન્દુ સંગઠનોના આગેવાનોએ પણ રાજુલા પોલીસ મથકે પહોંચીને યુવતીને પરત લાવવાની માંગ કરી હતી.

જે બાદ યુવતીએ પોતાના પતિ સાથે વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, તેણે પોતાની મરજીથી મોહીશ ફિરાણી સાથે પ્રેમલગ્ન કર્યાં છે. છેલ્લા ત્રણેક મહિનાથી અમે બન્ને સાથે જ રહીએ છીએ. મારો પરિવાર પણ આ બાબતથી વાકેફ છે. જો અમને કંઈ થશે, તો તેની જવાબદારી તેના પરિવારની રહેશે તેમ જણાવ્યું હતુ. આ સાથે જ યુવતીએ અપીલ કરી હતી કે, તેમના વ્યક્તિગત જીવનમાં કોઈ દખલ ના કરે, નહીંતર કાનૂની પગલા લેવામાં આવશે.