Loading...

Amreli News: મોણપુર ગામનાં તળાવમાં 350 કિ.મી. દૂરથી નર્મદના નીર પહોંચ્યા, ‘સૌની યોજના’ લિંક-4 હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ

ચિત્તલમાં જલ જીવન મિશન હેઠળ ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં યોજાયો : પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે અંદાજે રુ. 2.33 કરોડના ખર્ચે 'નલ સે જલ' યોજનાનું લોકાર્પણ કરાયું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Mar 2026 04:39 PM (IST)Updated: Fri 06 Mar 2026 04:40 PM (IST)
amreli-news-narmada-water-reaches-monpur-pond-under-sauni-yojana-link-4-703845

Amreli News: અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણ અને સિંચાઈ ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી તથા ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે મોણપુરમાં ‘સૌની યોજના’ લિંક-4 હેઠળ રૂ. 27.84 લાખના ખર્ચે નિર્મિત સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના થકી 350 કિલોમીટર દૂરથી નર્મદાના નીર ગામના તળાવ સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત, મંત્રી વાઘાણીએ ચિત્તલમાં ‘જલ જીવન મિશન’ હેઠળ અંદાજે રૂ. 2.33 કરોડના ખર્ચે ‘નલ સે જલ’ યોજનાનું પણ લોકાર્પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ખેતીવાડીને સમૃદ્ધ બનાવવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

'સૌની યોજના' (SAUNI - Saurashtra Narmada Avtaran Irrigation) હેઠળ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવોમાં ભરવામાં આવે છે, આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 1,126 કિ.મી. લાંબી પાઇપલાઇન નેટવર્કનો સમાવેશ થાય છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ માટે 'સૌની યોજના' થકી ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોની કાયાપલટ થઈ છે, સૌરાષ્ટ્ર હરિયાળું અને સમૃદ્ધ બન્યું છે.

અમરેલીના મોણપુર મુકામે જિલ્લા પ્રભારી અને અને કૃષિ મંત્રી, જીતુ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી, કૌશિક વેકરીયાના હસ્તે ‘સૌની યોજના’ લિંક-4, પેકેજ-5 હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આ કાર્યક્રમમાં સંસદ સભ્ય, ભરત સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોણપુર મુકામે રાજ્યના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ કુલ રૂ. 27.84 લાખના ખર્ચે સ્કાવર વાલ્વ અને પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સુવિધા મારફત મોણપુર ગામનાં તળાવમાં અંદાજે છે'ક 350 કિ.મી દૂરથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. સ્કાવર વાલ્વનુ લોકાર્પણ થતા પીવાના પાણી અને ખેતીવાડી સિંચાઈના ઉપયોગ માટે પાણીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, હવે પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે.

જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી, જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સૌની યોજના થકી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો. નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર - કચ્છ સુધી પહોચ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુદીર્ઘદ્રષ્ટિ અને કલ્પના થકી આજે "નેવાના પાણી,મોભે ચડ્યા"છે. પાણીથી પેઢીઓ તરી જાય છે,ખેતીવાડી સમૃદ્ધિ તરફ આગળ ધપે છે. વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે માત્ર પંચરોજકામના આધારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ આપી ખેડૂતોને કમોસમી વરસાદની સ્થિતિમાં તેમની ચિંતાઓ દૂર કરવામાં મદદ કરી છે.

ઊર્જા રાજ્યમંત્રી, કૌશિક વેકરીયાએ જણાવ્યું કે,મોણપુર મુકામે છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા હતી. વારંવાર રજૂઆતના અંતે અહીં સ્કાવર વાલ્વ મૂકવામાં આવતા અહીંની ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતોને લાભ થશે.

ચિત્તલ મુકામે 'જલ જીવન મિશન' હેઠળ ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં યોજાયો હતો. જિલ્લા પ્રભારી મંત્રી, જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે અંદાજે રુ. 2.33 કરોડના ખર્ચે 'નલ સે જલ' યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ યોજના થકી અંદાજે 218 ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. પીવાના શુદ્ધ પાણીની સમસ્યા ભૂતકાળ બનશે. ઉપરાંત ખેડૂતો માટે બંધારાના ઉપરવાસમાં સ્લેબડ્રેઈન, પૂરસંરક્ષણ દિવાલ, કોમ્યુનિટી હોલ,સી.સી રોડ, ભૂગર્ભ ગટર સહિના વિવિધ વિકાસકાર્યો અંદાજે રુ. 48 લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે,જેનું ખાતમુહૂર્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ચિત્તલ મુકામે ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગામડામાં એકસમયે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હતી, જે હવે ભૂતકાળ બની છે. હવે 'જલ જીવન મિશન' - દરેક ગામની નવી ઓળખાણ બની છે. પાણીના ટેન્કરરાજ હંમેશ માટે નાબૂદ થયા. કૃષિ મંત્રીએ રાસાયણિક કૃષિના ગેરફાયદાઓ અને આરોગ્ય વિષયક નુકશાન તરફ ધ્યાન દોરીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું.

ચિત્તલ મુકામે ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં રાજ્યમંત્રી, કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે પ્રતિબદ્ઘતા સાથે કામગીરી કરવામાં આવી છે. 'જલ જીવન મિશન' થકી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે.

મોણપુર અને ચિત્તલ મુકામે સ્કાવર વાલ્વ લોકાર્પણ અને ચિત્તલ ખાતે 'જળ અર્પણ' કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સુરેશ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ, કિશોર કાનપરીયા, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યઓ, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી જિલ્લાના અગ્રણીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, મોણપુર અને ચિત્તલ ગામ સરપંચ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.