Loading...

Amreli: વડિયાના ઢોલરવા ગામે જીવતા સમાધિ લેવાના ‘તૂત’નો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ઢોંગ ખુલ્લો પાડતા વયોવૃદ્ધે માફી માંગી

જીવતા સમાધિ લેવી કે તે માટે કોઈને પ્રેરિત કરવા તે ગંભીર કાનૂની અપરાધ છે. ધર્મના નામે આવા ઢોંગ-ધતીંગ કરવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે: જયંત પંડ્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 02 Apr 2026 04:46 PM (IST)Updated: Thu 02 Apr 2026 04:46 PM (IST)
amreli-news-fake-spiritual-act-busted-in-dholarva-village-elder-drops-live-samadhi-plan-720303
HIGHLIGHTS
  • વિજ્ઞાન જાથાની ટીમે કાનૂની ડર બતાવતા વયોવૃદ્ધને પોતાની ભૂલનું ભાન થયું

Amreli: વડિયા તાલુકાના ઢોલરવા ગામે એક વયોવૃદ્ધ દ્વારા જીવતા સમાધિ લેવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે ભારે ચકચાર મચી હતી. જો કે આ અંધશ્રદ્ધા અને ઢોંગ-ધતીંગનો 'ભારતીય વિજ્ઞાન જાથા' દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાની સમજાવટ અને કાનૂની ડરને પગલે અંતે વયોવૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી.

વયોવૃદ્ધ દ્વારા સમાધિના દર્શન માટેની વ્યવસ્થા ગોઠવી દેવાઈ

હકીકતમાં ઢોલરવા ગામના વયોવૃદ્ધ અરજણભાઇ ખુમાણે જાહેરાત કરી હતી કે, તેઓ 2 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે જીવતા સમાધિ લેશે. આ જાહેરાત બાદ આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓમાં હલચલ મચી ગઈ હતી. એટલું જ નહીં, સમાધિ લેવા માટેની ધાર્મિક વિધિની તૈયારીઓ અને દર્શનની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા જ 'ભારતીય વિજ્ઞાન જાથા'ના ચેરમેન જયંત પંડ્યા તેમની ટીમ સાથે તાત્કાલિક ઢોલરવા ગામે પહોંચ્યા હતા. જયંત પંડ્યાએ વયોવૃદ્ધ અરજણભાઇ ખુમાણ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવ્યા હતા.

જયંત પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જીવતા સમાધિ લેવી કે તે માટે કોઈને પ્રેરિત કરવા તે ગંભીર કાનૂની અપરાધ છે. ધર્મના નામે આવા ઢોંગ-ધતીંગ કરવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.

વિજ્ઞાન જાથાના સમજાવટ અને કાયદાકીય ગૂંચવણોની સમજ મળતા જ જીવતા સમાધિ લેવાનો ઢોંગ કરી રહેલા અરજણભાઇ ખુમાણ નરમ પડ્યા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાહેરમાં માફી માંગીને સમાધિ લેવાનો નિર્ણય પડતો મૂક્યો હતો. આ સાથે જ ગામમાં ફેલાયેલી અફરાતફરી અને અંધશ્રદ્ધાના માહોલનો અંત આવ્યો હતો.