Amreli Lion Attack: રાજુલામાં સિંહનો શિકાર બનેલા પરપ્રાંતિય યુવકનો પગ મોંઢામાં લઈને ભાગતો શ્વાન CCTVમાં કેદ

ટ્રક ડ્રાઈવરે સામાન્ય શિકાર સમજીને સિંહનો 8 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો. હરકતમાં આવેલા વન વિભાગે 4 સિંહોને પાંજરે પૂર્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 05:30 PM (IST)Updated: Fri, 19 Jun 2026 05:30 PM (IST)
amreli-lion-attack-dog-caught-on-cctv-running-away-with-foot-of-migrant-youth-who-was-hunted-by-lion-in-rajula
HIGHLIGHTS

નરેન્દ્ર આહીર, Amreli Lion Attack: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં ચાર દિવસ પહેલાં ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવકને સિંહે ફાડી ખાધો હોવાનો મામલો સામે આવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના બાદ સોશિયલ મીડિયા પર સિંહ દ્વારા માનવ શિકારની મિજબાની માણતો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, એક ટ્રક ડ્રાઈવરે આ સિંહને કોઈ પશુનો સામાન્ય શિકાર માનીને પોતાના મોબાઈલમાં 8 સેકન્ડનો એક વીડિયો શૂટ કર્યો હતો. જો કે બાદમાં ખબર પડી કે, તે કોઈ પશુ નહીં પરંતુ માણસનો શિકાર હતો. આ વીડિયોમાં એક સિંહ માનવ શરીરના અંગો આરોગતો નજરે પડે છે, જ્યારે તેની સામે જ બીજો એક સિંહ બેઠેલો કેમેરામાં કેદ થયો છે.

 

 

કંપનીના કમ્પાઉન્ડમાં મોંઢામાં પગનો ભાગ લઈને ભાગતો કૂતરો સીસીટીવીમાં કેદ

આ ભયાનક ઘટનામાં આજે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે, જ્યારે અન્ય એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના કેમ્પસના આ CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મૃતક યુવકના એક પગનો ટૂકડો મોંમાં દબાવીને એક શ્વાન (કૂતરો) પસાર થઈ રહ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર, વનવિભાગ અને પોલીસ કાફલો દોડતો થયો છે. CCTV ફૂટેજને આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સિંહ દ્વારા માણસ પર હુમલો કરી તેને ફાડી ખાવાની આ ગંભીર ઘટના બાદ વનવિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વનવિભાગની ટીમો દ્વારા કોવાયા અને આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવીને અત્યાર સુધીમાં 4 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચાર સિંહોમાંથી કયા સિંહે માણસ પર હુમલો કર્યો હતો તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓળખ કરવામાં આવશે અને ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.