Gujarat Rain Update: સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને અકળામણ બાદ આખરે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદી ઝાપટાં આશાનું કિરણ લઈને આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યા બાદ હવામાનમાં પલટો આવ્યો હતો. બગસરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાંની શુભ શરૂઆત થઈ ચુકી છે.બગસરાના પીઠડીયા ગામે વહેલી સવારે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત બાલપુર, હડાળા અને વાઘણીયા પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. બગસરાના ત્રણ-ચાર ગામોમાં પડેલા આ હળવા ઝાપટાંને કારણે ધૂળની ડમરીઓ શાંત થઈ છે અને રોડ-રસ્તાઓ ભીના થયા છે. વરસાદના આગમનથી સ્થાનિક ખેડૂતોમાં વાવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગત રાત્રિના સમયે પણ ગોંડલના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે આજે સવારથી જ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
આજે સવારે ગોંડલ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે કોલેજ ચોક, ભુવનેશ્વરી મંદિર રોડ, જેલ ચોક, કોર્ટ પરિસર અને બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.આ વરસાદી ઝાપટાંને પગલે સમગ્ર શહેરમાં ખુશનુમા માહોલ સર્જાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જસદણ પંથકમાં વરસાદી ઝાપટાં
જસદણ શહેર અને આટકોટ, વીરનગર તેમજ બળધોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ હળવા થી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેતીકામમાં મુશ્કેલીઓ ઊભી થઈ હોવાનું જણાય છે. ખાસ કરીને જસદણ APMC માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી લઈને આવેલા ખેડૂતો અને વેપારીઓમાં માલ પલળી જવાની શક્યતાને પગલે ભારે ચિંતા જોવા મળી હતી.
