Paresh Goswami Ni Agahi: મહારાષ્ટ્ર નજીક મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાયા બાદ ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતુ. જો કે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી હવામાન વિભાગ દ્વારા ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત નથી થઈ, પરંતુ ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ગત 17 જૂનથી રાજ્યના અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે બોટાદ અને મહીસાગર જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો હતો. જો કે વરસાદનો આ પ્રથમ રાઉન્ડ સાર્વત્રિક નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં જ જોવા મળી રહ્યો છે. આવનારા બે દિવસ સુધી હજુ પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને વાવણીની શક્યતા રહેશે.
22 જૂનથી ગાજવીજ સાથે વરસાદનો તોફાની રાઉન્ડ આવશે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી 22 થી 25 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદનો મહત્ત્વનો રાઉન્ડ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે સારો એવો વાવણી લાયક વરસાદ વરસી શકે છે. આ વરસાદ મંડાણી પ્રકારનો હશે, એટલે કે બપોર પછી ગાજવીજ અને પવન સાથે તૂટી પડશે. આ દરમિયાન પવનની ગતિ 25 થી 30 કિમીની આસપાસ રહેશે. જો કે ઝટકાના સમયે પવનની ગતિ 35 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
3 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વાવણી
ઉત્તર ગુજરાત અને બાકી રહેલા મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી ક્યારે થશે તેવા સવાલના જવાબમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 28 જૂનથી 3 જુલાઈ દરમિયાન ત્રીજો રાઉન્ડ આવશે. આ ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં એટલે કે 4 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વાવણી પૂર્ણ થઈ જવાની પૂરી શક્યતા છે
અફવાઓથી દૂર રહેવા અપીલ
અલ-નીનોની અસરને કારણે વર્ષ નબળું જશે તેવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ખેડૂતોએ ડરવાની જરૂર નથી. આ વર્ષે વરસાદ 90 થી 93 ટકા જેટલો રહેવાની સંભાવના છે, જે મધ્યમથી સારું વર્ષ ગણાશે. આથી ખેડૂત ભાઈઓ અફવાઓથી દૂર રહીને ખેતીકામમાં જોતરાઈ જવાની અપીલ કરવામાં આવી છે.
