Gujarat Weather Forecast By Paresh Goswami: આ વર્ષે 4 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યા બાદ વેગ સાથે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતુ. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા 8 જૂનથી ચોમાસું નબળું પડી જતાં ગુજરાતમાં ચોમાસાના પ્રવેશમાં વિલંબ થયો હતો. જેના કારણે રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી પરસેવે રેબઝેબ થઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ત્રણ દિવસની ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું
આ અંગે વિગતો આપતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ભલે સેટેલાઈટ મોડેલો નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાયેલું દર્શાવતા હોય, પરંતુ હકીકતમાં છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના શ્રીગણેશ થઈ રહ્યા છે.
વરસાદના પ્રથમ રાઉન્ડમાં આ વિસ્તારોમાં વાવણી થઈ
ગત 18 થી 20 જૂન સુધીના 3 દિવસ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં મહીસાગર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં 5 થી 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા વાવણીની શરૂઆત થઈ ચૂકી છે. આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે અમરેલી અને ભાવનગરમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.
ભારે પવન અને ગાજવીજ સાથે 10 જિલ્લામાં ભારે વરસાદની વકી
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 21 જૂનથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ 10 જિલ્લાઓમાં 30 થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે 1 થી 3 ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે.
ખેડૂતો ચિંતા ના કરે, જુલાઈની શરુઆત સુધી વરસાદ પડશે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી 22 થી 25 જૂન દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવશે. આ દરમિયાન મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાકી રહેલા મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. જે બાદ 28 જૂનથી 3 જુલાઈ દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. આ અંતિમ તબક્કામાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વાવણી થાય તેવો વરસાદ પડશે. અત્યાર સુધીમાં જે વિસ્તારોમાં વરસાદ ઓછો છે, ત્યાં આગામી સિસ્ટમ સક્રિય થતાં વાવણી લાયક વરસાદ પડી જશે.
આજે ગુજરાતના 8 તાલુકામાં વરસાદ, અમરેલીમાં દોઢ ઈંચથી વધુ ખાબક્યો
આજે સતત ચોથા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા 3 દિવસની સરખામણીમાં આજે વરસાદનું જોર જરૂર ઘટ્યું છે. આજે રાજ્યના 8 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી અમરેલીમાં સૌથી વધુ 41 મિ.મી (1.6 ઈંચ) વરસાદ પડ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાં 29 મિ.મી., અમરેલીના બાબરામાં 25 મિ.મી, વાવ-થરાદના ધરણીધરમાં 11 મિ.મી વરસાદ વરસ્યો છે.
