Ambalal Patel, Gujarat Weather Forecast: કેરળ કાંઠેથી દેશમાં ચોમાસાના પ્રવેશ સાથે જ ગુજરાતમાં ઉનાળાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. જો કે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચીને નબળું પડી જતાં ગુજરાતને ચોમાસા માટે હજુ પણ વધુ રાહ જોવી પડી શકે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમન અને તેની ગતિવિધિને લઈને મોટી આગાહી કરી છે.
પશ્ચિમી વિક્ષોપના કારણે ચોમાસું નબળું પડ્યું
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસામાં એક પછી એક નીચલા લેવલના પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યા છે, જેના કારણે ચોમાસું નબળું પડી રહ્યું છે. આગામી 18 જૂન બાદ મુંબઈથી ચોમાસું રફ્તાર પકડે તેવી શક્યતા છે, જે બાદ ગતિ પકડશે અને ગુજરાત તરફ આગળ વધશે.
આમ છતાં 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મૃગશિર્ષ નક્ષત્રનો વરસાદ પડી શકે છે. આ દરમિયાન આંધી-વંટોળનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય, વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ જાય તેવો ભારે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસાના આગમનની શક્યતા
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતમાં 23 થી 26 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે. જે બાદ 28 જૂનથી 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારી જેવા ભાગોમાં ભારે વરસાદ પડશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહશે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઈન્ડિયન ઑશન ડાઈપોલ (IOD) પોઝિટિવ રહેતા કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે અલ નીનોની અસરના કારણે વરસાદમાં ઘટ જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં 80 થી 90 ટકા સુધી વરસાદ રહેશે, જ્યારે દરિયા કિનારાના ભાગોમાં 92 ટકાની આસપાસ વરસાદ રહી શકે છે.
