જયંત પંડ્યાએ કહ્યું અંબાલાલ ફેંકાફેંક કરે છે, બધુ ખોટું પડે છે; અંબાલાલ પટેલે કહ્યું- ખેડૂત કહેશે તો બંધ કરી દઈશ

જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓને 'ફેંકાફેંક' ગણાવતા જ હવામાન વિવાદ ગરમાયો છે. અંબાલાલ પટેલે વળતો જવાબ આપતા કહ્યું, 'જો ખેડૂતો કહેશે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ.' જાણો સમગ્ર વિગત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 19 Jun 2026 12:05 PM (IST)Updated: Fri, 19 Jun 2026 02:41 PM (IST)
ambalal-patel-ready-to-stop-weather-prediction-after-jayant-pandya-allegation
 વિજ્ઞાન જાથાનો અંબાલાલ પટેલની આગાહી પર વિવાદ

Ambalal Patel fake prediction allegation: ગુજરાતમાં ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ વરસાદના વરતારા અને આગાહીઓને લઈને ભારે વિવાદ સર્જાયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને અન્ય આગાહીકારો સામે મોરચો માંડ્યો છે. જયંત પંડ્યાએ અંબાલાલની આગાહીઓને બિનવૈજ્ઞાનિક અને બકવાસ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે, જેના જવાબમાં અંબાલાલ પટેલે પણ પોતાની શૈક્ષણિક લાયકાત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉલ્લેખ કરીને વળતો પ્રહાર કર્યો છે. આ વિવાદે અત્યારે સોશિયલ મીડિયા અને ખેડૂત આલમમાં ચર્ચા જગાવી છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ શું કહ્યું?

વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિતના તમામ આગાહીકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભડલી વાક્યો, ટીટોડીના ઈંડા, હોળીની ઝાળ અને અખાત્રીજના પવનના આધારે થતી આગાહીઓ માત્ર અંધશ્રદ્ધા છે અને તે સંપૂર્ણપણે 'બકવાસ' છે. પંડ્યાનો દાવો છે કે આ આગાહીકારો પાસે હવામાન માપવા માટે કોઈ વૈજ્ઞાનિક સાધનો કે ઉપકરણો નથી અને તેઓ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ મનફાવે તેમ આગાહી કરે છે.

જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે જૂનાગઢમાં ભેગા થયેલા 47 આગાહીકારોની વાવણી અંગેની આગાહીઓ સદંતર ખોટી પડી છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે છેલ્લા 25 વર્ષથી આ લોકો ખોટા પડે છે અને તેના કારણે ખેડૂતોને ક્યારેક મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પંડ્યાએ અંબાલાલ પટેલની વધતી ઉંમર અને અસ્પષ્ટ અવાજનો ઉલ્લેખ કરી તેમને આગાહી કરવાનું બંધ કરવા સલાહ આપી છે. આ વિરોધમાં તેમણે 20 June થી આગાહીઓની હોળી કરવાનું પણ એલાન કર્યું છે.

અંબાલાલ પટેલે શું કહ્યું ?

વિજ્ઞાન જાથાના આક્ષેપો સામે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સ્પષ્ટતા કરી છે. અંબાલાલે જણાવ્યું કે તેઓ માત્ર અંદાજ નથી લગાવતા, પરંતુ તેઓ અંગ્રેજી માધ્યમમાં B.Sc. એગ્રીકલ્ચર થયેલા છે અને તેમની પાસે આ વિષયની ડિગ્રી છે. તેમણે કહ્યું કે તેઓ સાયન્ટિફિક અભ્યાસ કરે છે, જેમાં અલ નીનો, લા નીના, લો પ્રેશર અને ગ્રહોની અસરો જેવા અનેક પરિમાણોનો સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલે સમજાવ્યું કે કુદરતની પોતાની એક 'લિપી' છે, જેમાં પવનોની દિશા, નક્ષત્રોનું જ્ઞાન અને ઉનાળાના હવામાન પરથી ચોમાસાનું આંકલન કરવામાં આવે છે. આ પરંપરાગત જ્ઞાન પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનો મુખ્ય હેતુ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો છે, જેથી તેઓ પોતાના પાકને સુરક્ષિત કરી શકે. અંબાલાલે પડકાર ફેંકતા કહ્યું કે, "જો ખેડૂતો પોતે જ મને એમ કહેશે કે મારી આગાહીથી તેમને કોઈ લાભ નથી થતો અને નુકસાન જાય છે, તો હું તે જ ક્ષણે આગાહી કરવાનું બંધ કરી દઈશ." ઉંમરના કારણે અવાજમાં આવતી તકલીફને તેમણે કુદરતી ગણાવી તેની ટીકા કરવા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આગાહીકારો અને વિજ્ઞાન વચ્ચે વહેંચાયેલું જનમત

આ વિવાદમાં માત્ર અંબાલાલ પટેલ જ નહીં, પણ અન્ય નિષ્ણાતો પણ જોડાયા છે. જળ ક્રાંતિ ટ્રસ્ટના મનસુખ સુહાગ્યાએ અંબાલાલ પટેલનું સમર્થન કરતા કહ્યું કે આ પ્રકૃતિનું વિજ્ઞાન છે અને તેની ટીકા કરવી યોગ્ય નથી. બીજી તરફ, કેટલાક ખેડૂતોએ પણ અંબાલાલ પટેલની અગાઉની આગાહીઓ, જેમ કે ઉનાળામાં માવઠાની આગાહી સાચી પડી હોવાનો હવાલો આપી તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં આ વિવાદ વિજ્ઞાન અને પરંપરાગત અનુભવ વચ્ચેના સંઘર્ષ જેવો બની ગયો છે.