Loading...

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં ફરી હિંસા: લાઈનમાં ઉભા રહેવાનું કહેતા ધોરણ 7ના મોનિટર પર 3 સ્ટુડેન્ટે બ્લેડથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આવી ઘટના બનવી તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કરે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 06 Feb 2026 10:27 AM (IST)Updated: Fri 06 Feb 2026 10:27 AM (IST)
seventh-day-adventist-high-secondary-school-in-ahmedabad-controversy-3-students-assault-7th-grader-686706

Seventh Day School Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શાળાનો વહીવટ હાલ સરકાર હસ્તક હોવા છતાં, કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. તાજેતરમાં બનેલી ઘટનામાં, શિસ્ત જાળવવાનો પ્રયાસ કરનાર વર્ગના મોનિટરને ત્રણ વિદ્યાર્થીઓએ મળીને નિશાન બનાવ્યો હતો. આ મામલે હવે પોલીસ અને શિક્ષણ વિભાગ બંને એક્શનમાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થી 'રાહુલ' (નામ બદલેલ છે) તેના ક્લાસનો મોનિટર છે. શાળા છૂટવાના સમયે જ્યારે તમામ વિદ્યાર્થીઓ લાઈનબદ્ધ રીતે બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કાર્તિકે ત્રણ વિદ્યાર્થીઓને લાઈનમાં ચાલવા અથવા બાજુ પર ઉભા રહેવા માટે સૂચના આપી હતી. આ સામાન્ય શિસ્તની વાત તે ત્રણ વિદ્યાર્થીઓને અપમાનજનક લાગી હતી.

તે દિવસે શાળાના સાયકલ પાર્કિંગ પાસે આ ત્રણેય વિદ્યાર્થીઓએ કાર્તિકને આંતરીને ધમકી આપી હતી કે, "કાલે તને જોઈ લઈશું, તને જાનથી મારી નાખવો પડશે." ભયભીત થયેલો કાર્તિક તે દિવસે ઘરે જતો રહ્યો હતો. પરંતુ બીજા દિવસે શાળામાં રિસેસના સમયે જ્યારે કાર્તિક વોશરૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ આ ત્રણેય તેની પાછળ ગયા હતા.

બ્લેડથી હુમલો કર્યો

વોશરૂમ પાસે એકાંત જોઈને ત્રણેય વિદ્યાર્થીઓએ કાર્તિકનો કોલર પકડી લીધો હતો. તે પૈકીના એક વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ બ્લેડ કાઢી કાર્તિકના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને તેને શરીરના ભાગે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી કે જો ફરીથી તેણે મોનિટરગીરી કરી કે લાઈનમાં ઉભા રહેવાનું કહ્યું તો તેને જીવતો નહીં છોડવામાં આવે.

શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી: DEOની નોટિસ

આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શાળામાં અગાઉ પણ ગંભીર ગુનાહિત ઘટના બની હોવા છતાં સુરક્ષામાં રહેલી મોટી ખામી બદલ પ્રિન્સિપાલ અને એડમિન હેડ સામે સવાલો ઉઠ્યા છે.

  • જવાબ તલબ: DEO એ પ્રિન્સિપાલ અને એડમિન હેડને કારણદર્શક નોટિસ ફટકારી છે.
  • બતરફીની માંગ: નોટિસમાં સ્પષ્ટ પૂછવામાં આવ્યું છે કે, આવી ગંભીર બેદરકારી બદલ તમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા?

વાલીઓમાં રોષ અને ચિંતા

અમરાઈવાડી પીઆઈ આ મામલાની તપાસ કરી રહ્યા છે. જે રીતે ધોરણ 7 ના નાના બાળકો પાસે બ્લેડ જેવા હથિયારો મળી રહ્યા છે અને જે રીતે તેઓ હિંસક બની રહ્યા છે, તેનાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આવી ઘટના બનવી તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કરે છે. શાળામાં સીસીટીવી કેમેરા અને શિક્ષકોનું નિરીક્ષણ ક્યાં હતું? આ પ્રશ્ન હવે દરેક વાલી પૂછી રહ્યા છે. આ મામલે હવે પોલીસ ફરિયાદ બાદ શાળા તંત્ર આ હિંસક વિદ્યાર્થીઓ સામે અને શિક્ષણ વિભાગ બેદરકાર અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.