Loading...

નિર્વાણા ગ્રીન્સમાં પીધું, પછી સાણંદ પોલીસ સ્ટેશનમાં કર્યો નાસ્તો; હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટીના આરોપીઓને મળી VIP ટ્રીટમેન્ટ

હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટીના આરોપીઓને સાણંદ પોલીસ સ્ટેશનમાં ચા-નાસ્તો આપ્યો હોવાના સમાચાર સાથે કેટલાક ફોટો સામે આવ્યા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 06 Feb 2026 08:43 AM (IST)Updated: Fri 06 Feb 2026 08:43 AM (IST)
sanand-police-station-tea-snacks-served-to-accused-of-high-profile-alcohol-hookah-party-686626
HIGHLIGHTS
  • દારૂ-હુક્કા પાર્ટીના આરોપીઓને મળી VIP ટ્રીટમેન્ટ
  • સાણંદ પોલીસ સ્ટેશનમાં ચા-નાસ્તો આપ્યાની માહિતી
  • સાણંદ પોલીસે રેડ પાડી 81 લોકોની અટકાયત કરી હતી

Ahmedabad alcohol-hookah party: ગત 4 ફેબ્રુઆરીની રાત્રે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ' માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પર સાણંદ પોલીસે રેડ પાડી 38 મહિલા સહિત 81 લોકોની અટકાયત કરી હતી. જોકે, આથી વધુ ચોંકાવનારા દ્રશ્યો સાણંદ પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા. જ્યાં આ આરોપીઓને નાસ્તો આપીને પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી.

નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં દારૂ-હુક્કા પાર્ટી

આપને જણાવી દઈએ કે, બુધવારની રાત્રે સાણંદ પોલીસે બાતમીના આધારે નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં રેડ પાડી હતી. અહીં એક હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખાસ આમંત્રિત કરેલા મહેમાનોને જમવા સાથે દારૂ-હુક્કા પિરસવામાં આવ્યા હતા.

38 મહિલા સહિત 81 લોકોની અટકાયત

સાણંદ પોલીસે સ્થળ પરથી 81 લોકોની અટકાયત કરી છે, જેમાં 38 મહિલા અને 43 પુરુષોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આરોપીઓ માટે મોડી રાતે ચા-નાસ્તાની વ્યવસ્થા

જોકે, સાણંદ પોલીસ સ્ટેશનમાં વધુ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાત્રે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડીને લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ જનાર સાણંદ પોલીસે જ બાદમાં તમામ આરોપીઓ માટે મોડી રાતે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. સાણંદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ નાસ્તો કરતા ચોખ્ખા નજરે પડ્યા હતા.

"આરોપીઓ હોય તો તેમને ભૂખ લાગે જ, એટલે એમના સબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી હતી. આ કંઈ ખોટું નથી." -- બી.ટી.ગોહિલ (PI, સાણંદ પોલીસ)

વેફરના પડીકા અને ચા-પાણી

એક વ્યક્તિ તો જાણે ચાલતી ફરતી દુકાન હોય તેમ હાથમાં વેફરના પડીકા લઈને સાણંદ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. સાણંદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલના આરોપીઓને ચા-નાસ્તો આપીને સરભરા કરવામાં આવી હતી. જોકે, આ વ્યક્તિ પોલીસના કહેવાથી જ વેફર લઈને આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પીનારાઓ માટે પિકનિક સ્પોટ

દારૂના નશામાં રહેલા લોકોને પોલીસ સ્ટેશનમાં જ વેફર અને ચા પીવડાવી હતી. આ હાઈ પ્રોફાઈલ મહેફિલ હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું હતું. જોકે, સામાન્ય આરોપીઓને પણ પોલીસ આ પ્રકારે જ નાસ્તો કરાવતી હશે કે કેમ તેને લઈને સવાલ છે.