Loading...

પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં 6 થી 8 એપ્રિલ માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 9મીથી ગરમી જોર પકડશે

9 એપ્રિલથી અરબ સાગરમાં બનેલું હાઈ પ્રેશર નિષ્ક્રિય થઈ જશે અને પવનની દિશા પણ બદલાશે. આ સાથે જ વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું થઈ જશે અને માવઠાનો ખતરો ટળી જશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 04 Apr 2026 11:24 PM (IST)Updated: Sat 04 Apr 2026 11:24 PM (IST)
paresh-goswami-ni-agahi-gujarat-to-see-another-round-of-rain-before-heatwave-721788
HIGHLIGHTS
  • 5 એપ્રિલે માવઠામાં એક દિવસની રાહત મળશે

Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને અરબ સાગરમાં સર્જાયેલા હાઈ પ્રેશરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 2 એપ્રિલથી માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં કેટલાક સ્થળોએ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, 5 એપ્રિલે માવઠામાં એક દિવસની રાહત મળશે. જો કે તે બાદ ફરી એક નવો ટ્રફ સક્રિય થતા વરસાદી માહોલ છવાશે.

6 થી 8 એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતા

આગામી 6, 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરીથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જેમાં 6 એપ્રિલના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવા ઝાપટાથી શરૂઆત થશે. 7 એપ્રિલે માવઠાની વધારે અસર જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. ખાસ વાત એ છે કે, માવઠાનો આ રાઉન્ડ 2 થી 4 એપ્રિલની સરખામણીએ ઓછી તીવ્રતાવાળો રહેશે.

9 એપ્રિલથી ગરમી વધવા લાગશે

જે બાદ 9 એપ્રિલથી અરબ સાગરમાં બનેલું હાઈ પ્રેશર નિષ્ક્રિય થઈ જશે અને પવનની દિશા પણ બદલાશે. પશ્ચિમના પવનોને બદલે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશાના પવનો ફૂંકાશે, જેના કારણે 9 અને 10 એપ્રિલના રોજ વહેલી સવારે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય ઝાકળ જોવા મળી શકે છે.

9 એપ્રિલથી વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું થઈ જશે અને માવઠાનો ખતરો ટળી જશે. વાતાવરણ ખુલતાની સાથે જ તાપમાનમાં વધારો થશે. હાલમાં તાપમાન 36 થી 39 ડિગ્રીની આસપાસ છે, પરંતુ 9 એપ્રિલ પછી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય તેવી પૂરી શક્યતા છે. 20 એપ્રિલ સુધી કોઈ માવઠાની શક્યતા નથી અને વાતાવરણ બિલકુલ સાફ રહેશે

જો પવનની ગતિની વાત કરીએ તો, હાલમાં પવનની ગતિ સામાન્ય (12-14 કિમી) કરતા વધીને 16 થી 21 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે, જે 15 એપ્રિલ સુધી યથાવત રહેશે