Paresh Goswami Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા પણ મિજાજ બદલવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાં સર્જાયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
માર્ચના અંતમાં વરસાદી માહોલ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 28, 29 અને 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાનું હવે લગભગ નિશ્ચિત છે. આ માવઠું ગાજવીજ (Thunderstorm) સાથે આવશે, જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે.
પવન અને ગાજવીજનું જોર
આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા પૂરતો સીમિત નહીં રહે. આગાહી મુજબ, રાજ્યમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંદાજે 40% થી 50% વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી પ્રક્રિયા જોવા મળશે.
આ પણ વાંચો
ગરમીમાં મળશે આંશિક રાહ
હાલમાં ગુજરાતમાં તાપમાન 34 થી 38 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જોકે, 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી થોડી રાહ મળશે.
એપ્રિલમાં પણ માવઠાનો ભય
માર્ચ મહિનાના માવઠા બાદ એપ્રિલ મહિનામાં પણ રાહત મળવાની શક્યતા ઓછી છે. પરેશ ગોસ્વામીએ આગોતરું અનુમાન આપતા જણાવ્યું છે કે, 6 એપ્રિલ થી 15 એપ્રિલ વચ્ચે પણ રાજ્યમાં વધુ એક માવઠું આવવાની પ્રબળ શક્યતા છે.
ખેતી અને બાગાયતી પાક પર જોખમ
જોકે મોટાભાગના શિયાળુ પાક લેવાઈ ગયા છે, પરંતુ આ માવઠું આ પાકોને નુકસાન પહોંચાડી શકે છે
બાગાયતી પાક: આંબા (કેરી), ચીકુ, દાડમ, જામફળ અને લીંબુના બગીચાઓમાં મોટા નુકસાનની ભીતિ છે.
ઉનાળુ પાક અને શાકભાજી: વાવેતર કરેલા ઉનાળુ પાકો અને શાકભાજીને પણ પવન સાથેનો વરસાદ નુકસાન કરી શકે છે.
આ વખતે વાવાઝોડાનો પણ ખતરો
જગતના તાત પર માત્ર માવઠું જ નહીં, હવે ચક્રવાતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. 20 એપ્રિલથી 20 જૂન સુધી એક બાદ એક વાવાઝોડા આવવાની પ્રબળ શક્યતાઓ છે. 20 એપ્રિલથી 20 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવશે, જ્યારે 20 મેથી 20 જૂન અરબી સમુદ્રમાં વાવાઝોડું પેદા થશે.
