Ahmedabad News: ડિટર્જન્ટ, સિમેન્ટ અને હેલ્થકેર ક્ષેત્રે પોતાની મજબૂત પકડ ધરાવતું અમદાવાદ સ્થિત નિરમા ગ્રૂપ હવે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં મોટું વૈવિધ્યકરણ કરવા જઈ રહ્યું છે. અમદાવાદના ઝડપથી વિકસતા કોમર્શિયલ કોરિડોર એસ.જી. હાઈવે (SG Highway) પર ગ્રૂપ દ્વારા અંદાજે રૂ. 12,207 કરોડના ખર્ચે એક આલિશાન ફાઈવ-સ્ટાર હોટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
555 રૂમ્સની લક્ઝરી પ્રોપર્ટી અને આંતરરાષ્ટ્રીય જોડાણ
મળતી વિગતો અનુસાર, નિરમા ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે 555 લક્ઝરી રૂમ્સ બનાવવા માટે પર્યાવરણીય મંજૂરી મેળવી લીધી છે. આ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ગ્રૂપ દ્વારા ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL-Taj), હયાત હોટેલ્સ અને મેરિયોટ ઇન્ટરનેશનલ જેવા દિગ્ગજ ઓપરેટરો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, ઓપરેશનલ કરાર અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030: હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે બૂસ્ટર
અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાની મંજૂરી મળ્યા બાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટીની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોના મતે:
- અત્યારે અમદાવાદમાં ફાઈવ-સ્ટાર કે ડિલક્સ કેટેગરીની અંદાજે 18 હોટલ કાર્યરત છે.
- ગેમ્સના આયોજન સુધીમાં હજુ અન્ય 15 થી 20 નવી ફાઈવ-સ્ટાર હોટલોની જરૂરિયાત ઊભી થશે.
- મ્યુઝિક કોન્સર્ટ, બિઝનેસ ઇવેન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોને કારણે આ સેક્ટર ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવી રહ્યું છે.
નિષ્ણાતોનો મત: હોટલ સેક્ટરનો ઉદય
હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (ગુજરાત) ના અધ્યક્ષ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે સુવર્ણયુગની શરૂઆત થઈ છે. આગામી વર્ષોમાં વર્તમાન ક્ષમતા કરતા 50 ટકા વધુ રૂમ્સની જરૂર પડશે. આગામી સમયમાં શહેરમાં 10 થી વધુ નવી ફાઈવ-સ્ટાર કેટેગરીની હોટલો જોવા મળશે."
વ્યૂહાત્મક વિસ્તરણ
નિરમા ગ્રૂપનો આ નિર્ણય તેમના બિઝનેસ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. એસ.જી. હાઈવે પર બનનારી આ હોટલ બિઝનેસ ટ્રાવેલર્સ અને પ્રવાસીઓ માટે નવું ડેસ્ટિનેશન બનશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થશે.
