Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરની 27 હજાર ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા પૂરી પાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનની આ ચાલીઓમાં 9 મીટર ઊંચા લાઈટ પોલ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે AMC 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને અંદાજે અઢીથી ત્રણ લાખ નગરજનોને સીધો લાભ મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન આ વખતે 22 જાન્યુઆરી 2026ને ગુરુવારે થયું હતું. જેમાં શહેરનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ મિડીયા સાથે આ ખાસ મુદ્દાઓની વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનમાં ખાસ કરીને પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનની અંદર વિવિધ ચાલીઓ આવેલી છે. ત્યાં, મહાનગરપાલિકા દ્વારા RCC રોડ, પેવર બ્લોક, પાણી, ગટરની સુવિધા આપવામાં આવી હતી.
અત્યારસુધી, અહીં લાઈટની સુવિધાનો અભાવ હતો. પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લગભગ 27 હજાર ચાલીઓ કે જેમાં અઢીથી ત્રણ લાખ લોકો રહે છે તેમના જીવનમાં નવી રોશની ઉમેરાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અઢીથી ત્રણ કરોડના ખર્ચે આ ચાલીઓની અંદર 9 મીટરની ઉંચાઈના લાઈટના પોલ નાંખી ત્યાં અજવાળુ કરવામાં આવશે.
