Ahmedabad administrator rule: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ફેબ્રુઆરી, 2021 માં ચૂંટાયેલી પાંખ અને શાસકપક્ષ ભાજપની 5 વર્ષની મુદત 9 માર્ચ, 2026 ના રોજ પૂરી થઈ રહી છે. આ સાથે જ, નવનિયુક્ત જનપ્રતિનિધિઓ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી AMC માં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવશે.
9 માર્ચે સાંજથી શાસક પક્ષની ટર્મ પૂર્ણ
ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતી હોવાથી 9 માર્ચના રોજ સાંજે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય ચૂંટાયેલા હોદ્દેદારોને ફાળવવામાં આવેલ સરકારી કાર, ઓફિસ અને કેબિન પરત લઈ લેવામાં આવશે. 10 માર્ચ પછી કોર્પોરેશનમાં ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરો અને હોદ્દેદારોની પાંખી હાજરી જોવા મળશે.
IAS મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિમણૂક
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નિયમિતપણે ન થઈ શકવાને કારણે સરકારે વહીવટદારની નિયુક્તિ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 માર્ચથી વહીવટદાર તરીકે IAS મુકેશ કુમાર હવાલો સંભાળશે. IAS મુકેશ કુમાર અગાઉ AMC ના કમિશ્નર રહી ચૂક્યા છે, અને હાલમાં તેઓ રાજ્ય સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
10મી વખત AMC પર વહીવટદાર રાજ
ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 1950 થી વર્ષ 2000 સુધીના સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવ વખત વહીવટદારની નિમણુંક કરવામાં આવી ચૂકી છે. અગાઉ એસ. કે. ગંગોપાધ્યાય (1974) થી લઈને પી. કે. લહેરી (2000) સુધીના અધિકારીઓએ આ જવાબદારી નિભાવી છે. હવે આ 10મી વખત છે જ્યારે AMC માં વહીવટદારનું શાસન જોવા મળશે.
વહીવટદાર શાસનમાં કામગીરી કેવી રીતે થશે?
10 માર્ચ, 2026 થી અમલી બનનાર આ શાસન દરમિયાન મોટાભાગે રૂટિન, સામાન્ય અને રાબેતા મુજબની જ કામગીરી હાથ ધરવામાં આવશે. માત્ર કોઈ ઈમરજન્સી ઉભી થાય તેવા સંજોગોમાં જ તાકીદના કામ હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ નવા નીતિવિષયક નિર્ણય લેવામાં આવશે નહીં, અને કોઈ મહત્વના નવા પ્રોજેક્ટ હાથ ધરાશે નહીં.
વધુમાં, અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનરોએ ચૂંટાયેલી પાંખ દ્વારા મંજૂર કરેલા કામોનો અમલ કરવાનો રહેતો હતો. પરંતુ હવે ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં, હાલના મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ પરની મંજૂરી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વહીવટદાર પાસેથી મેળવવાની રહેશે.
