Gujarat Weather Forecast: આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા વરસ્યા હતા અને કચ્છના ભુજમાં પણ વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મહેસાણા, કચ્છ સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે બપોરે 1 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન એટલે કે ચાર વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 41થી 60 કિ.મી.ની રહી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ જિલ્લામાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આજની હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે 2 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મદ્યમ વરસાદ થઇ શકે છે.

આવતીકાલની હવામાન વિભાગની શું છે આગાહી
આવતીકાલે 3 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
પૂર્વ રાજસ્થાન પરનું ઉપલા સ્તરનું ચક્રવાત યથાવત
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, પૂર્વ રાજસ્થાન પરનું ઉપલા સ્તરનું ચક્રવાત સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ યથાવત છે. આ ઉપરાંત, પૂર્વ રાજસ્થાનથી ગુજરાત રાજ્ય થઈને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક દ્રોણીકા રેખા સક્રિય છે. નોંધનીય છે કે દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની નજીકના કચ્છ પર સક્રિય હતું તે ઉપલા સ્તરનું ચક્રવાત હવે આ દ્રોણીકા રેખામાં ભળી ગયું છે. આંતરરાષ્ટ્રીય મોરચે, પૂર્વ ઈરાન અને આસપાસના વિસ્તારમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભ હવે પૂર્વ ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3.1 થી 7.6 કિલોમીટરની ઊંચાઈ પર જોવા મળી રહ્યો છે.
