Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 04 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આગામી 3 કલાક માટે ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ (5 mm/કલાકથી ઓછો) પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 km પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળી પડવાની સંભાવના 30% થી પણ ઓછી વ્યક્ત કરવામાં આવી છે.

આજની સ્થિતિ: કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ?
સમગ્ર દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. મુખ્યત્વે નીચે મુજબના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો
મધ્ય અને દક્ષિણ ગુજરાત: મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
સૌરાષ્ટ્ર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી.

07 એપ્રિલ માટેની આગાહી
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 07 એપ્રિલના રોજ પણ રાજ્યના વાતાવરણમાં પલટો યથાવત રહેશે. તે દિવસે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.
