Loading...

Gujarat Weather Forecast: આજે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે, જાણો હવામાન વિભાગની આગાહી

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 30 Mar 2026 02:56 PM (IST)Updated: Mon 30 Mar 2026 02:56 PM (IST)
gujarat-weather-forecast-ahmedabad-banaskantha-mehsana-may-see-unseasonal-rain-718235

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં વાદળછાયા વાતવારણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. 30 માર્ચ, 2 અને 3 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવું પશ્ચિમી વિક્ષોભ અસર કરશે

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ઈરાન અને કેસ્પિયન સમુદ્ર પર સક્રિય થયેલું પશ્ચિમી વિક્ષોભ હજુ પણ યથાવત છે, જેની સાથે 65° પૂર્વ રેખાંશ પર એક દ્રોણિકા સંકળાયેલી છે. આ ઉપરાંત, વાયવ્ય રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર જોવા મળતું ચક્રવાતી પરિભ્રમણ હવે પંજાબ અને તેની નજીકના હરિયાણા રાજ્ય પર ખસી ગયું છે. આ ચક્રવાતી પરિભ્રમણથી પશ્ચિમ રાજસ્થાનને પાર કરીને ઈશાન અરબી સમુદ્ર સુધી એક અન્ય દ્રોણિકા પસાર થઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 2 એપ્રિલ, 2026 થી ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવું પશ્ચિમી વિક્ષોભ અસર કરશે તેવી પ્રબળ શક્યતા છે, જેના કારણે આ રાજ્યમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.

30 માર્ચના રોજ કયા પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન વિભાગ અનુસાર, આજે 30 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

2 અને 3 એપ્રિલના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

2 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 3 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસણા, સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, તાપમાનની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું થી નોંધપાત્ર રીતે નીચું રહ્યું હતું. બીજી તરફ, કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો, પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું થી નોંધપાત્ર રીતે ઊંચું નોંધાયું હતું.