Gujarat Weather Forecast: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં સારું એવું માવઠું વરસ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની ત્રણ કલાકની લેટેસ્ટ આગાહી(Weather Forecast)
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
તાપમાનમાં ઘટાડો થવાથી ગરમી ઘટશે
હવામાન વિભાગના મતે, આગામી 24 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને સ્થિતિ યથાવત રહેશે. રાજ્યના પાટનગર અમદાવાદમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની શું છે આગાહી
આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 4 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે
અરબી સમુદ્ર પરની સ્થિતિ અંગે વાત કરીએ તો, ઉત્તર અને નજીકના મધ્ય અરબી સમુદ્ર તેમજ કચ્છના અખાત પર છૂટાછવાયા, તૂટેલા, નીચાથી મધ્યમ વાદળો છવાયેલા છે, જ્યાં તીવ્રથી ખૂબ જ તીવ્ર સંવહન સક્રિય છે. લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તાર પર પણ છૂટાછવાયા નીચાથી મધ્યમ વાદળો, મધ્યમથી તીવ્ર સંવહન સાથે છવાયેલા છે. 3 એપ્રિલે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા સાથે તોફાની હવામાનનો અનુભવ થઈ શકે છે. આથી, માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે સલાહ આપવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠે કેવું રહેશે હવામાન
ઉત્તર અને દક્ષિણ બંને ગુજરાતના દરિયાકિનારે પશ્ચિમ / ઉત્તર પશ્ચિમી દિશામાંથી 15 થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે. છૂટાછવાયા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી દૃશ્યતા સામાન્ય રીતે સારી રહેશે, પરંતુ વરસાદ કે ગાજવીજ દરમિયાન ઘટીને નબળી પડશે. દરિયાની સ્થિતિ હળવીથી મધ્યમ રહેશે અને તમામ બંદરો પર કોઈ સિગ્નલ લગાવવામાં આવ્યું નથી. ભરતી કે તોફાનની કોઈ ચેતવણી નથી.
