Loading...

Gujarat Board Exams 2026: અમદાવાદમાં 551 શાળાઓમાં 47 હજાર વિદ્યાર્થીઓની 'પ્રિ-બોર્ડ' પરીક્ષા શરૂ, તિલક અને મીઠાઈ સાથે સ્વાગત

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં સતત ચોથા વર્ષે આ પ્રકારે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 16 Jan 2026 11:06 AM (IST)Updated: Fri 16 Jan 2026 11:06 AM (IST)
gujarat-board-exams-2026-fear-eased-as-ahmedabad-pre-boards-kick-off-for-thousands-of-students-674872

Gujarat Board Exams 2026: ધોરણ-10ની બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનો ડર અને તણાવ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા 'પ્રિ-બોર્ડ પરીક્ષા'નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી આ પરીક્ષા 22 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં શહેરની 551 શાળાઓના 47,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

બોર્ડ જેવો જ માહોલ, પદ્ધતિસરની તૈયારી

પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ પ્રિ-બોર્ડ પરીક્ષા 'પ્રેક્ટિસ ગ્રાઉન્ડ' સમાન બની રહી છે. પરીક્ષામાં બોર્ડની જેમ જ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે:

  • હોલ ટિકિટ: વિદ્યાર્થીઓને લિંક મોકલી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રેક્ટિસ કરાવાઈ.
  • સ્ટીકર્સ અને સપ્લીમેન્ટરી: પરીક્ષા દરમિયાન બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી.
  • બેઠક વ્યવસ્થા: બોર્ડની પરીક્ષા જેવી જ કડક અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પુષ્પગુચ્છ અને મોઢું મીઠું કરાવી આવકાર

પરીક્ષાના પ્રથમ દિવસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ હળવાશ અનુભવી શકે.

વિદ્યાર્થીઓ અને તંત્રનો મત

ધોરણ-10ની વિદ્યાર્થિની તન્વી ચુડાસમાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, "પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવાની હોવાથી મનમાં ડર હતો, પરંતુ આ પ્રિ-બોર્ડ પરીક્ષાથી અમને સમય નિયંત્રણ અને જવાબ લખવાની પદ્ધતિનો ખ્યાલ આવશે. હવે અમે માનસિક તણાવ વગર મુખ્ય પરીક્ષા આપી શકીશું."

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં સતત ચોથા વર્ષે આ પ્રકારે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે. આ સફળ પ્રયોગને જોઈને હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી રહી છે. અમારો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષા પદ્ધતિથી પરિચિત કરવાનો છે."