Ahmedabad Accident News: અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત 16 જાન્યુઆરીની મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલું એક્ટિવા BRTSની રેલિંગ સાથે અથડાતા ચાલક પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની 16 વર્ષની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અકસ્માતની વિગતો
બાપુનગર વિસ્તારમાં રહેતા કેતન પંચાલ (મૃતક) ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યાના અરસામાં પોતાની 16 વર્ષની દીકરી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આસ્ટોડિયા દરવાજા પાસેથી પસાર થતી વખતે તેઓ પોતાનું વાહન BRTS કોરિડોરમાં ચલાવી રહ્યા હતા. એક્ટિવાની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને એક્ટિવા સીધું BRTSની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.
પિતાનું સ્થળ પર મોત, પુત્રી સારવાર હેઠળ
આ ટક્કર એટલી જોરદાર હતી કે કેતન પંચાલને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેમની પુત્રીને પણ માથામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી
બનાવની જાણ થતા જ ‘ઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પૂરઝડપે વાહન ચલાવવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
