Loading...

Ahmedabad: LIC ના પૈસા અપાવવાના બહાને અમદાવાદની વૃદ્ધા સાથે છેતરપિંડી, સાયબર ઠગોએ 47.35 લાખ પડાવ્યા

ઠગોએ વૃદ્ધા પાસેથી 4 વર્ષના ગાળામાં ટુકડે ટુકડે કુલ રૂ. 47.35 લાખ પડાવ્યા.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 12 Mar 2026 09:25 AM (IST)Updated: Thu 12 Mar 2026 09:25 AM (IST)
cyber-fraudsters-cheated-47-lakhs-of-ahmedabad-woman-pretext-of-lic-fraud-706815
HIGHLIGHTS
  • અમદાવાદની વિધવા મહિલા સાથે છેતરપિંડી
  • LIC ના પૈસા અપાવવાની લાલચ આપી હતી
  • 4 વર્ષમાં ટુકડે ટુકડે કુલ ₹47.35 લાખ પડાવ્યા

Ahmedabad Cyber ​​Fraud: સાયબર ગઠિયાઓ હવે છેતરપિંડી માટે અવનવા કિમીયાઓ અજમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વિધવા પુષ્પાબહેન પાટડીવાલા સાથે એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ તેમની પાસેથી ટુકડે ટુકડે ₹47 લાખ જેટલા પડાવી લીધા હતા.

73 વર્ષીય વિધવા સાથે છેતરપિંડી

દિલ્હીથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓની ઓળખ આપીને ગઠિયાઓએ ભોગ બનનાર વૃદ્ધાને ધીરે ધીરે ફસાવ્યા. આરોપીએ LIC ના પૈસા અપાવવાની લાલચ આપી વૃદ્ધા પાસેથી 4 વર્ષના ગાળામાં ટુકડે ટુકડે કુલ રૂ. 47.35 લાખ પડાવી લીધા છે.

સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી

સાયબર ઠગાઈની આ ટોળકીએ આયોજનબદ્ધ રીતે આ છેતરપિંડી કરી હતી. આરોપીઓએ 2 મહિલા અધિકારી, એક એડવોકેટ તથા ફાઈનાન્સ મિનિસ્ટ્રીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપવામાં આવી હતી. જે બાદ તેમણે વૃદ્ધા પાસેથી ફાઈલ ચાર્જ, પ્રોસેસિંગ ફી, સ્ટેમ્પ ડયુટી તથા જુદા-જુદા ટેક્સ પેટે પૈસા પડાવ્યા હતા. 

LIC માં 10 લાખ જમા હોવાનું કહ્યું

આ સમગ્ર કૌભાંડમાં સૌથી પહેલા જીતેન્દ્ર ગોસ્વામી નામના શખ્સે પોતે NPCI ના સિનિયર ઓફિસર હોવાની ઓળખ આપી ભોગ બનનારને કહ્યું કે ગવર્નમેન્ટમાં તેમના LIC ના રૂ. 10 લાખ જમા પડ્યા છે. આ પૈસા ગવર્નમેન્ટ PWD જેવા મોટા ડિપાર્ટમેન્ટમાં રોકેલા છે, જે તેમને પાછા મળશે તેવી લાલચ આપી હતી.

સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસ ફી માંગી

ત્યારબાદ બીજા ઓફિસરે કહ્યું કે એડવોકેટ કેસ લડીને તેમને પૈસા અપાવશે. પછી લડુરા મુંડા નામના શખ્સે ફોન કરી ફાઈલ ચાર્જ, જુદા જુદા ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસ ફી પેટે રૂ. 5.54 લાખ ભરવા કહ્યું હતું.ત્યારબાદ IT ઓફિસર અશોક સિંઘલે 10 લાખની રકમ વધીને 40 લાખ થઈ હોવાનું જણાવી HDFC માં ખાતું ખોલાવડાવ્યું અને નવું સિમ કાર્ડ ખરીદવા કહ્યું.

ગઠીયાઓની ભૂખ સંતોષાઈ નહોતી

આરોપી જેમ કહેતા તેમ વિધવા મહિલા બધું જ કરતા રહ્યા. જે બાદ અશોક સિંઘલે આ બંને ખાતાની કિટ દિલ્હીના એડ્રેસ પર મંગાવી લીધી અને પ્રોસેસ ફી ના નામે બંને ખાતામાં અડધા-અડધા કરી કુલ રૂ. 25 લાખ ભરાવડાવ્યા. ગઠીયાઓની ભૂખ અહીં સંતોષાઈ નહોતી. ત્યારબાદ મળવાપાત્ર રકમ રૂ. 1.48 કરોડ થયાનું કહીને વધુ રૂ. 7.44 લાખ પડાવ્યા.

કુલ રૂ. 47.35 લાખ પડાવી લીધા

અંતે NPCI ના સિનિયર મેનેજર જગદીશચંદ્ર વ્યાસની ઓળખ આપી રૂ. 96.56 લાખ જમા હોવાનું કહી વધુ રૂ. 1.12 લાખ ભરવા કહ્યું. આમ, ગઠિયાઓએ રૂ. 10 લાખની લાલચ આપીને રકમ વધારીને રૂ. 1.48 કરોડ સુધી પહોંચાડી દીધી. જેમાં પ્રોસેસિંગ ફી, ફાઇલ ચાર્જ અને ટેક્સના બહાને કુલ રૂ. 47.35 લાખ વૃદ્ધા પાસેથી પડાવી લીધા હતા.

પોલીસની જાહેર જનતા જોગ અપીલ

આ પ્રકારના વધતા જતા સાયબર ક્રાઈમના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વૃદ્ધો અને નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. છેતરપિંડીનો અહેસાસ થતા જ સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર (1930) અથવા નજીકના પોલીસ સ્ટેશન કે (100) / (112) પર તુરંત ફોન કરવો.