Ahmedabad Cyber Crime: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિય થયેલા સાઈબર ગઠિયાઓએ તાજેતરમાં 10 અલગ-અલગ લોકોને શિકાર બનાવીને કુલ રૂ. 8.67 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અને ખાતા સાફ
ગઠિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને લારીઓ ચલાવતા અને નાના વેપારીઓ પાસે પેટીએમ (Paytm) કે ફોન પે (PhonePe) કંપનીમાંથી આવ્યા હોવાનું જણાવી સાઉન્ડ બોક્સ ચાલુ કરવા કે અપડેટ કરવાના નામે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. ત્યારબાદ તેમના ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લીધા હતા.
- વસ્ત્રાપુરનો કિસ્સો: શેરડીનો રસ વેચતા વિજયકુમાર સોનકરને બે માણસોએ Paytm ચાલુ કરી આપવાના નામે આધાર કાર્ડ અને પાસબુકની માહિતી મેળવીને તેમના ખાતામાંથી રૂ. 49,999 ઉપાડી લીધા હતા.
- ગોતાનો કિસ્સો: વિનોદભાઈ ધોબી પાસે Paytm સાઉન્ડ બોક્સ બંધ કરવાના બહાને 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને રૂ. 50,000 ની ઠગાઈ કરવામાં આવી હતી.
- સરખેજનો કિસ્સો: ફતેવાડી વિસ્તારમાં પાણીપુરીની લારી ચલાવતા 20 વર્ષીય રાજેશ પટેલ પાસે PhonePe સ્પીકર ચાલુ કરવાની રિકવેસ્ટ નાખી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી ગઠિયાએ રૂ. 45 હજાર સેરવી લીધા હતા.
લોન-ઇન્વેસ્ટમેન્ટના બહાને છેતરપિંડી
સોશિયલ મીડિયા પર ફેક જાહેરાત, લોન અને ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપીને અજાણ્યા કોલ્સ દ્વારા પણ નોકરિયાત વર્ગને નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો
- કિસ્સો 1: સેટેલાઈટમાં રહેતા ગોપાલસિંહ રાજપૂતને ફોન પર લોનની માહિતી આપ્યા બાદ ઉપરાછાપરી OTP મોકલીને ખાતામાંથી રૂ. 51,113 ઉપાડી લીધા હતા.
- કિસ્સો 2: નિર્ણયનગરના રાહુલ શર્માને ફેસબુક પર 3 લાખની લોનની જાહેરાત બતાવીને પ્રોસેસિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવવાના ચાર્જ પેટે રૂ. 29,500 પડાવ્યા હતા.
- કિસ્સો 3: સાબરમતીના મનોજભાઈ મંગનાનીને રિલાયન્સ લોન કેપિટલના આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપી 6 લાખની લોનની લાલચમાં રૂ. 2.05 લાખની છેતરપિંડી આચરી હતી.
- કિસ્સો 4: નવરંગપુરાના સોફ્ટવેર ડેવલપર રોમીલ શાહને મિત્રની ભલામણથી 'ઈનવોઈસ ટ્રેડ' નામની એપ્લિકેશનમાં રૂ. 2.65 લાખનું રોકાણ કરાવીને ગઠિયાઓએ પૈસા પરત આપ્યા નહોતા.
- કિસ્સો 5: ચાણક્યપુરીના અશોક રેગરના ખાતામાંથી ગૂગલ પે મારફતે રૂ. 22,000 અને શાહપુરના સોએબ શેખની માતાના ખાતામાંથી મેસેજ વિના જ રૂ. 99,900 ડેબિટ થઈ ગયા હતા.
પોલીસ અધિકારીના નામે ફેક કોલ
મોટેરામાં રહેતા 61 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલને એક ગઠિયાએ ટ્રાઈ (TRAI) ના અધિકારી તરીકે ઓળખ આપી મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં મની લોન્ડરિંગનો કેસ થયો હોવાની વાત કરી ડરાવ્યા હતા. ત્યારબાદ વિડિયો કોલ પર પોલીસ અધિકારી બનીને વાત કરી અને ધરપકડ રોકવા માટે કોર્ટના નકલી સમન્સ બતાવીને તેમની પાસેથી રૂ. 50 હજાર પડાવી લીધા હતા.
