Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આઠ ધંધાકીય એકમોને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ રૂ. 2.80 લાખનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.
પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (સો.વે.મે.) વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની રાહબરી હેઠળ છેલ્લા ત્રણ દિવસથી દિવસ અને રાત્રી દરમિયાન વિશેષ સ્કવોડ ટીમો કાર્યરત હતી. આ ટીમોએ ઝોનના વિવિધ વિસ્તારોમાં 519 યુનિટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમાંથી 314 યુનિટ્સને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન 10.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને રૂ.80,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જાહેર માર્ગો પર ગંદકી કરતા કે ન્યુસન્સ ફેલાવતા ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત કુલ 8 એકમોને સીલ કરીને રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 2.80 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
ગંદકી કરવા બદલ સીલ કરાયેલા 8 એકમો
- વીર કૃપા ડેરી પાર્લર (કેસર નગર, નવા વાડજ)
- હાર્ડ ટ્રેકિંગ કંપની (લાઇવ કેક વાળાની બાજુમાં, મોટેરા મેટ્રો સ્ટેશનની સામે, સાબરમતી)
- શિવ આયુર્વેદિક સ્ટોર (રત્નદીપ એવન્યુ, રાણીપ)
- મેગ્નમ પાર્લર - Magnum parlor (નિલેશ એપાર્ટમેન્ટની બાજુમાં, બીઆરટીએસ રોડ, ચાંદખેડા)
- નામ વગરની દુકાન (સાગર નોવેલ્ટીની બાજુમાં, આઇઓસી રોડ, ચાંદખેડા)
- NUCLEON Imaging And Diagnostic (નારણપુરા)
- મોમાઇ ટી સ્ટોલ (આંબેડકર બ્રિજ નીચે, વાસણા)
- નામ વગરની સાઇટ (પાલડી ચાર રસ્તા, પાલડી)
આ સખત પગલાં ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં કચરાને જાહેરમાં ન ફેંકવા, કચરાનું સેગ્રીગેશન કરવા અને AMCના વાહનોમાં જ કચરો નાખવા અંગે જાગૃતિ અભિયાન (IEC એક્ટિવિટી) પણ ચલાવી રહ્યું છે. આઈ.ઈ.સી. ટીમ દ્વારા પત્રિકાઓ વિતરીત કરીને નાગરિકોને સમજણ આપવામાં આવી રહી છે. શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો સામે આગામી દિવસોમાં પણ AMC દ્વારા સખત કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
