Mumbai-Ahmedabad Bullet Train Project 2027: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને સતત નવીન અપડેટ સામે આવી રહી છે. આગાઉ એવી વાત સામે આવી હતી કે 2026માં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે. ત્યારે આજે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે,15 ઓગસ્ટ 2027ના રોજ સુરત અને બિલીમોરા વચ્ચે આ હાઇસ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે 2027 સુધીમાં બુલેટ ટ્રેન તૈયાર થઇ જશે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027ના રોજ શરૂ કરવામાં આવશે. આ સાથે તેમણે પ્રોજેક્ટના તબક્કાવાર ઉદ્ઘાટનની પણ વિગતવાર માહિતી આપી હતી, જે મુજબ સુરતથી બિલિમોરા સુધીનો પ્રથમ વિભાગ સૌપ્રથમ કાર્યરત થશે. મંત્રી વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો સુરત અને બિલિમોરા વચ્ચે શરૂ થશે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, "The bullet train will be ready in 2027, August 15th, 2027. The first section to open will be from Surat to Bilimora. After that, Vapi to Surat will open. Then Vapi to Ahmedabad will open, and after that, Thane to Ahmedabad… pic.twitter.com/vpal8NqNpE
— ANI (@ANI) January 1, 2026
તેમણે વધુમાં કહ્યું છેકે, વાપીથી સુરત સુધીનો માર્ગ ખોલવામાં આવશે. ત્રીજા તબક્કામાં, વાપીથી અમદાવાદ સુધીની સેવાઓ શરૂ થશે, અને તે પછી થાણેથી અમદાવાદ સુધીનું સેક્શન કાર્યરત થશે. અંતે, મુંબઈથી અમદાવાદ સુધીનો સંપૂર્ણ કોરિડોર ખુલ્લો મુકવામાં આવશે.વાતચીત દરમિયાન તેમણે હળવાશમાં અત્યારથી ટિકિટ બુક કરી લેવાનું સૂચન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છેકે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, જે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, તે ભારતના પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જે આર્થિક ગતિવિધિઓને વેગ આપશે અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા જાપાનના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. જમીન સંપાદનથી લઈને પુલ અને વાયડક્ટના નિર્માણ સુધી, દરેક તબક્કે ઝડપી કામગીરી જોવા મળી રહી છે. જેના પગલે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થશે અને દેશને આ આધુનિક પરિવહન સુવિધાનો લાભ મળશે. આ પ્રોજેક્ટની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં સમુદ્રની નીચે ટનલ બનાવવામાં આવી રહી છે. મુંબઈ અને થાણે વચ્ચેના પટ્ટામાં ટ્રેન ખાડી (ક્રિક) વિસ્તારમાં પાણીની નીચેથી પસાર થશે, જે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક મોટી ઈજનેરી સિદ્ધિ ગણાશે.
