Ahmedabad: હવે ટ્રેન વ્યવહારને રોક્યા વગર શોધી શકાશે ખામી, પશ્ચિમ રેલવેએ ડ્રોન ટેકનોલોજી અપનાવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ડ્રોન ટેકનોલોજીથી OHE મોનિટરિંગ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 03:23 PM (IST)Updated: Fri, 19 Jun 2026 03:23 PM (IST)
ahmedabad-western-railway-drone-technology-ohe-inspection-passenger-safety

Western Railway OHE Drone Inspection: રેલવેના ઇતિહાસમાં પહેલીવાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે ટ્રેક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) નિરીક્ષણ માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે, ટ્રેન સંચાલનને કોઈ પણ પ્રકારની અસર કર્યા વિના ડ્રોન ટેક્નોલોજી દ્વારા રેલવે ટ્રેક અને OHE ની નાની-મોટી અને ગંભીર ખામીઓને અગાઉથી જ શોધી શકાશે. 

પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત અને સફળતા 

ગત 8 જૂનના રોજ અમદાવાદ ડિવિઝન દ્વારા ડ્રોન મારફતે ઓવરહેડ ઈક્વિપમેન્ટ નિરીક્ષણનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ સઘન ચેકિંગ માટે હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને જીઓ-ટેગિંગ (Geo-tagging) સિસ્ટમથી સજ્જ એક વિશેષ ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. જેના પરિણામ સ્વરૂપ સંભવિત અકસ્માતોને ટાળવાની શક્યતા અનેકગણી વધી જશે.

આ ડ્રોન સર્વે દરમિયાન રેલવે તંત્રને અનેક એવી ખામીઓ જોવા મળી જે સામાન્ય રીતે જમીન પરથી કે રૂટિન ચેકિંગ દરમિયાન શોધવી અત્યંત મુશ્કેલ હોય છે. ડ્રોનની મદદથી ઇન્સ્યુલેટર પર ફ્લેશ માર્કસ, કેન્ટીલીવર પર ફસાયેલો કચરો, પોર્ટલ સ્ટ્રક્ચર પર પક્ષીઓના માળા, OHE ઇક્વિપમેન્ટ પર બેઠેલા પક્ષીઓ અને કેટેનરી સ્ટ્રેન્ડ્સને થયેલા નુકસાન જેવી ખામીઓ સચોટ રીતે પકડાઈ હતી.

GPS લોકેશનથી મળશે સચોટ માહિતી

આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરો GPS લોકેશન સાથે ટેગ કરવામાં આવશે. આના આધારે ખામીનું ચોક્કસ સ્થાન, તેની ગંભીરતા અને કયું સમારકામ પહેલા કરવું તેની અગ્રતા સરળતાથી નક્કી કરી શકાશે. આ આધુનિક પ્રક્રિયા ભવિષ્યમાં OHE ટ્રીપિંગ, પાવર સપ્લાય ખોરવાઈ જવાની સમસ્યા અને ટ્રેન વ્યવહારમાં પડતા વિક્ષેપોને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે.

સુરક્ષામાં વધારો અને ભવિષ્યનું આયોજન

અત્યાર સુધી OHE નિરીક્ષણ માટે ટ્રેક બ્લોક લેવો પડતો, જેનાથી ટ્રેનો મોડી પડતી હતી. આ ઉપરાંત, ટેકનિકલ કર્મચારીઓએ જીવના જોખમે 25 KV હાઈ-વોલ્ટેજ સિસ્ટમની નજીક જઈને ચેકિંગ કરવું પડતું હતું. હવે આ જોખમ સંપૂર્ણપણે ઘટી જશે અને ટ્રેક બ્લોક લીધા વિના દૂરથી જ નિરીક્ષણ થઈ શકશે. જેનાથી કર્મચારીઓની સલામતીમાં વધારો થશે અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાશે નહીં.

AI આધારિત વિશ્લેષણ માટે ડેટાનો ઉપયોગ

અગાઉ સામાન્ય રીતે ખામી સર્જાયા પછી જ સમારકામ થતું, પરંતુ હવે ખામીને પહેલાથી જ ઓળખી શકાશે. ડ્રોન ઇન્સ્પેક્શનમાંથી મળતા ડેટાનું હાલ સંકલન કરવામાં આવી રહ્યું છે અને આગામી તબક્કામાં આ ડેટાનો ઉપયોગ AI આધારિત વિશ્લેષણ માટે કરવામાં આવશે. ભવિષ્યમાં આ અત્યાધુનિક ટેકનોલોજીને સમગ્ર પશ્ચિમ રેલવેમાં લાગુ કરવાની યોજના છે.