અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે.
પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટ તથા જિલ્લા પંચાયત ખાતે માર્કેટ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ જેવા મેગા સિટીના નાગરિકો જેઓ શુદ્ધ આહારના આગ્રહી છે, તેમના સુધી પહોંચ વધારવા અને નાગરિકોને સર્ટિફાઈડ ઉત્પાદનો મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે ખેડૂતો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક પેદાશોના વેચાણ અર્થે ખેડૂતોને જે પણ કક્ષાએ જરૂર હશે ત્યાં વહીવટી તંત્ર મદદરૂપ થશે. જિલ્લા પંચાયત દ્વારા પેદાશના પરિવહન માટે ટ્રાન્સપોર્ટેશનમાં સહાય, પ્રોસેસિંગ અને પેકેજિંગ માટે વિવિધ યોજનાઓના કન્વર્જન્સ થકી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. ખેડૂતોએ પણ આ પ્રાકૃતિક કૃષિ માર્કેટ શરૂ કરવાના નિર્ણયને હકારાત્મક રીતે વધાવી લઈ સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ નક્કી કરેલા સ્થળોની ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે, પ્રાકૃતિક પેદાશોના મૂલ્યવર્ધનથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોને મદદરૂપ થવા સંપૂર્ણપણે સજ્જ છે. આ તબક્કે તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને આ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપી હતી.

આ તબક્કે આત્મા વિભાગ દ્વારા વિસ્તરણ કાર્યકરોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની રસાયણમુક્ત પેદાશો સર્ટિફાઈડ થાય તે માટે 'ગોપકા'ના સંકલનમાં રહીને સર્ટિફિકેશન બાબતે વિશેષ જાણકારી આપવામાં આવી હતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.
