Loading...

Ahmedabad News: અમદાવાદમાં સ્માર્ટ ટોયલેટમાં QR કોડ સુવિધા લાગુ થશે, સિક્કાની ઝંઝટથી નાગરિકોને મુક્તિ મળશે

વિદ્યાર્થીઓને પ્રથમ વખત બૂટ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓ યુનિફોર્મની સાથે એક જ પ્રકારનાં બૂટ પણ પહેરશે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે યુનિફોર્મિટી જળવાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 06:29 AM (IST)Updated: Fri 06 Feb 2026 06:29 AM (IST)
ahmedabad-smart-toilets-qr-code-payment-to-end-coin-hassle-for-citizens-686592

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગુરુવારે શહેરના વિકાસ અને સુવિધાને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જાહેર શૌચાલયોમાં ટેકનોલોજીના ઉપયોગથી લઈને મ્યુનિસિપલ શાળાઓના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ આ નવા પ્રકલ્પોની વિગતવાર માહિતી આપી હતી.

સ્માર્ટ ટોયલેટ વિશે વાત કરતા ચેરમેનએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની અંદર અલગ-અલગ વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ(Smart Toilet) ઉભા કરવામાં આવેલા છે. પરિણામે સિનિયર સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતું, કેટલીકવાર જ્યારે છૂટા સિક્કા અંદર નાંખવાના હોય ત્યારે તકલીફ ઉભી થતી હોય છે. જેના પરિણામે QR કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ, ટેક્નોલોજીના ઉપયોગથી કોઈન્સની માથાકૂટમાંથી છૂટકારો મળે એટલા માટે આવનારા સમયમાં મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ છે ત્યાં QR કોડનો ઉપયોગ કરી શકાશે.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડનાં ચેરમેન  સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation)માં મેયર  પ્રતિભા જૈન, સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણી અને આખી ટીમનાં પદાધિકારીઓએ ગયા વર્ષનાં બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓ માટે એક ખાસ જોગવાઇ કરી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓને બૂટ આપવામાં આવશે. તે માટે ઝીરો બજેટ અંતર્ગત પાંચ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.

ગયા વર્ષે કરેલી આ જોગવાઇની જાહેરાતનું અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના 1,72,000 જેટલા વિદ્યાર્થીઓને સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીનાં બજેટમાંથી ફાળવણી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ વખત બૂટ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી વિદ્યાર્થીઓ યુનિફોર્મની સાથે એક જ પ્રકારનાં બૂટ પણ પહેરશે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે યુનિફોર્મિટી જળવાશે. અગાઉ વિદ્યાર્થીઓ કોઇ ચંપલ તો કોઇ બૂટ કે પછી સ્લીપર પણ પહેરતાં જેથી યુનિફોર્મિટી જળવાતી ન હતી. તેમજ ગમે ત્યારે ચંપલ-સ્લીપર કાઢીને જો કોઇ જગ્યાએ ગંદકીમાં તેમનો પગ પડે તો તેમનાં સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હતું. જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને બૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.

વધુમાં સુજય મહેતાએ જણાવ્યું કે, દૂધ સંજીવની યોજના અંતર્ગત પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ વિદ્યાર્થીઓને 250મિલી દૂધ અપાય છે. ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવે છે, તેમજ મિડ ડે મીલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. કોર્પોરેશન અને રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનાં ભણતરની સાથે તેમના સુપોષણ અને બાળકોનાં સ્વાસ્થ્યની પણ ચિંતા કરી તે માટેની યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્કૂલ બોર્ડનાં ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અત્યારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની અંદર જે વિસ્તાર ભળી ગયેલો હતો એ વિસ્તારની અંદરની જે શાળાઓ છે તે શાળાઓને પણ કોર્પોરેશનની અંદર ભેળવવાનો અને સ્કૂલ બોર્ડ હસ્તક તેને એનું હસ્તાંતરિત કરવાનો એ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની છ પ્રાથમિક શાળા ઘુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, બી.એલ. મહેતા, કઠવાડા મેઇજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા અને હુડકો પ્રાથમિક શાળા આ છ શાળા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક હતી, તે હવે 9 ફેબ્રુઆરીથી અમદાવાદ મ્યુનસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક હસ્તાંતરિત કરવામાં આવી છે અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ત્રણ પ્રાથમિક શાળા ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનગર પ્રાથમિક શાળા એમ કુલ નવ જેટલી પ્રાથમિક શાળાઓને આપણા અમદાવાદ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ હસ્તાંતરિત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ અંતર્ગત થતી પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીયુક્ત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સુવિધાયુક્ત શિક્ષણની સાથે અન્ય ફેસિલિટી પણ આપવામાં આવી છે.