Loading...

Ahmedabad Traffic: એસજી હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે! બોપલથી સાણંદ વચ્ચે 12 કિ.મી.નો રોડ બનાવવાશે, 30 મિનિટનું અંતર 8 મિનિટમાં કપાશે

આ અદ્યતન રોડમાં ફૂટપાથ અને ગ્રીનરીનો પણ સમાવેશ કરવામાં આવશે. ઔડાએ આગામી છ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે,

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 03 Feb 2026 12:28 PM (IST)Updated: Tue 03 Feb 2026 12:28 PM (IST)
ahmedabad-sg-highway-upgrade-shorter-travel-with-new-bopal-sanand-road-684986

Ahmedabad SG Highway Upgrade: અમદાવાદના અતિ વ્યસ્ત એવા એસજી હાઇવે પર ટ્રાફિકમાં સતત વધારો થઇ રહ્યો છે. ટ્રાફિકના આ ભારણને ઘટાડવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. બોપલ સ્થિત વકીલ સાહેબ બ્રિજથી સાણંદ સુધીના 12 કિ.મી.ના રસ્તાને ફોર લેન બનાવવામાં આવશે. આ રોડ બોપલથી સાણંદ -વિરમગામ હાઇવે સાથે સીધો કનેક્ટ થશે. જેનો લાભ અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને થશે. હાલ જે અંતર કાપતા 30 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. તે ઘટીને 8 મિનિટનો થઇ શકે છે.

ફૂટપાથ અને ગ્રીનરીનો પણ સમાવેશ કરવામાં આવશે

આ માર્ગ બનાવવા માટે 90 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવશે. આ અદ્યતન રોડમાં ફૂટપાથ અને ગ્રીનરીનો પણ સમાવેશ કરવામાં આવશે. ઔડાએ આગામી છ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જે ભવિષ્યમાં વધુ એક્સપાન્ડ પણ કરી શકાશે. અમદાવાદ શહેરનું વિસ્તરણ સાણંદ અને કલોલ સુધી કરવાનું આયોજન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ઔડા દ્વારા ઝડપી ગતિએ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારબાદ રોડ અને બ્રિજના નિર્માણનું કાર્ય શરૂ થશે.

સાણંદ-વિરમગામ નેશનલ હાઇવેની કનેક્ટિવિટી મળશે

બોપલ, ધુમા, શેલા, ગોતા અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાંથી આવતા વાહનચાલકોને એસ.જી. હાઇવે પર જવાને બદલે સીધા વકીલ સાહેબ બ્રિજથી સાણંદ-વિરમગામ નેશનલ હાઇવેની કનેક્ટિવિટી મળશે. ગોતા અને સાયન્સ સિટીથી આવતા લોકોને એસ.જી. હાઇવે પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે, જેના કારણે ઘણીવાર એક કિલોમીટરનું અંતર કાપવામાં પણ પોણોથી એક કલાકનો સમય જતો રહે છે. આ નવો 4 લેન રોડ ટ્રાફિકની સમસ્યા હળવી કરશે અને રાહદારીઓ માટે પણ ફૂટપાથ સહિતની સુવિધા પૂરી પાડશે. ઔડાના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરખેજ અને શાંતિપુરા થઈને મળતી કનેક્ટિવિટી ઉપરાંત હવે આ ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ બનશે.

ટ્રાફિક જામની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળશે

આ નવા રોડથી વાહનચાલકો તેમજ આસપાસના વિસ્તારોના લોકોને મોટો ફાયદો થશે. સ્થાનિકોએ આ પ્રોજેક્ટને આવકારીને જણાવ્યું હતું કે, આનાથી સાણંદ-વિરમગામ જવામાં સરળતા રહેશે અને પીક અવર્સમાં થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળશે. ઔડાના અધિકારીઓના મતે, આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ ઘટશે, જેના પરિણામે સમય અને ઇંધણની બચત થશે. હાઇવે સાથે સીધું જોડાણ મળવાથી મુસાફરીના સમયમાં અંદાજે 30 મિનિટનો ઘટાડો થશે. ખાસ કરીને, સાણંદ GIDC અને વિરમગામ તરફ જતા માલવાહક વાહનોને સરળ રસ્તો મળશે, જે વેપાર-ઉદ્યોગને વેગ આપશે.

12 કિલોમીટરનો આ રોડ સીધો સાણંદ-વિરમગામ નેશનલ હાઇવેને જોડતો હોવાથી આ વિસ્તારમાં રિયલ એસ્ટેટની માગમાં વધારો થશે. બહેતર કનેક્ટિવિટીના કારણે સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણની નવી તકો ઊભી થશે અને નવા પ્રોજેક્ટ્સને પણ વેગ મળશે. નવા રોડ સાથે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનું કામ પૂર્ણ થવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ભૂતકાળ બની જશે, જેનાથી વાહનચાલકોને ભારે રાહત મળશે. રોડની બંને બાજુ ગ્રીનરી કવર થાય તે દિશામાં પણ આયોજન ચાલી રહ્યું છે.