Ahmedabad Rath Yatra: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરી વિકાસને લગતી કામગીરીની ચર્ચા માટે આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સાબરમતી નદીમાં પાણી છોડવા ઉપરાંત શહેરના રસ્તાને લઈને અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ચોમાસાના આગમન પૂર્વે અમદાવાદ બનશે ખાડામુક્ત
ચોમાસા પહેલા અમદાવાદના તમામ ખાડાના સમારકામ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, અમદાવાદમાં બ્રેક ડાઉનના કારણે 16 જગ્યા પર કામગીરી ચાલુ હતી, જે પૈકી 14 જગ્યા પર ખાડા પૂરી દીધા છે. ગોતામાં બે જગ્યાઓ છે ત્યાં કામગીરી ચાલુ છે. બ્રેક ડાઉનના કારણે જ્યાં ખાડા પડ્યા છે, તે એક જગ્યા પર ખાડો છે, એ 23 તારીખ અને બીજી જગ્યા પર 30 તારીખ સુધી પૂરાઈ જશે.
આ સિવાય સેટલમેન્ટવાળી 144 જગ્યા પર જ્યાં ડ્રેનેજ વોટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલતી હોવાથી તેમાંથી 42 જગ્યાઓ એવી છે કે, જ્યાં બેરીકેટીંગ કરીને કામગીરી હાલ ચાલુ છે અને આવનારા ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવાની સૂચના આપેલી છે.
22 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે
રથયાત્રા સંદર્ભે યોજાનારી જળયાત્રા વિશે ચેરમેને જણાવ્યું કે, આગામી 29 જૂને યોજાનારી પરંપરાગત જળયાત્રાને ધ્યાનમાં રાખીને 22 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જળયાત્રા દરમિયાન જરૂરી જળસ્તર જળવાઈ રહે તેમજ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા અમદાવાદના મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાંની એક હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
કુબેરનગરમાં ફૂટ ઑવર બ્રિજ તૈયાર થશે
કુબેરનગર અંડરપાસથી આગળ જતા ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવર-જવરમાં મુશ્કેલી પડતી હતી. જે અંગે અગાઉ સર્વે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક ફૂટઓવર બ્રિજ બનાવવાનું કહ્યું હતું.
અગાઉ ત્યાં 9 મીટરનો રોડ હતો અને તેમાં કપાતની સમસ્યા હતી, જે અંગે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે કે, 9 મીટરના રોડ ખોલીને તે જગ્યા પર ફૂટઓવર બ્રિજ તૈયાર કરવાનો છે. તે માટે તાત્કાલિક જગ્યા ખુલ્લી કરવામાં આવી જેથી આગળનું કામ સરળતાથી શરુ થઇ શકે તે માટેનું સૂચન કર્યું છે.
ફૂટપાથ પર વધતા દબાણ વચ્ચે પહોળાઈ ઘટાડવા મુદ્દે કમિટીમાં વિચારણા
રોડની પહોળાઈ અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં 1 થી 5 મીટર સુધીની ફૂટપાથ બનાવવામાં આવે છે. જોકે, અનેક સ્થળોએ ફૂટપાથ પર વિવિધ પ્રકારના દબાણો જોવા મળતા હોવાથી શક્ય હોય ત્યાં સુધી તેની પહોળાઈ મર્યાદિત રાખવા અને જરૂરિયાત મુજબ ઓછી પહોળાઈની ફૂટપાથ બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.
યુટિલિટી સાઈડમાં હશે ત્યાં જ બનશે વ્હાઇટ ટોપિંગ રોડ
વ્હાઇટ ટોપિંગ/RCC રોડ મુદ્દે વાત કરતા ચેરમેને જણાવ્યું કે, પૂર્વ વિસ્તારમાં એક-બે જગ્યા પર રોડ બનાવ્યા બાદ ત્રણ જ મહિનામાં વ્હાઇટ ટોપિંગ/આર.સી.સી. રોડ ખોદવામાં આવ્યા હોય તેવું ધ્યાને આવ્યું હતું. આથી આ બાબતે નક્કી કરવામાં આવ્યું છે કે,જ્યાં આગળ યુટિલિટી છે એ સાઈડમાં જગ્યા પર આ પ્રકારના રોડ થાય તો વાંધો નથી, પણ જ્યાં યુટિલિટી વચ્ચે છે ત્યાં તેને ખસેડીને સાઈડમાં કરવી અને સાઈડમાં હોય તો જ વાઈટ ટોપિંગ/RCC રોડ કરવાનું કહેવામાં આવ્યું છે.
ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં જવાબદારો સામે રિકવરીની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સંબંધિત તપાસના અનુસંધાને જવાબદારો સામે રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિજિલન્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસના આધારે કુલ રૂ. 3,26,28,084.10ની રિકવરી પાત્ર ઠરાવવામાં આવી છે, જે પૈકી રૂ. 1,63,64,814.91ની વસૂલાત સફળતાપૂર્વક કરવામાં આવી છે.
