Ahmedabad Hit and Run: અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગઈકાલે મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પકવાન બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ભાઈનું 'જાવા' બાઈક લઈને નીકળ્યો અને કાળનો ભેટો થયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતો અક્ષય ગજ્જર (32) નામનો યુવક ગઈકાલે મોડી રાતે પોતાના ભાઈનું 'જાવા' બાઈક લઈને નીકળ્યો હતો. જે બાદ સરખેજ-ગાંધીનગર હાઈવે પરના પકવાન બ્રિજ ઉપરથી પસાર થતી વખતે અજાણ્યા વાહને અક્ષયના બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઈક પરથી નીચે પટકાયેલા અક્ષયને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહનનો ચાલક અક્ષયને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે એસ.જી. હાઈવે ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે CCTV ફૂટેજ સહિતના પુરાવા મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
'હું ઉબેરમાં ઘરે આવું છું'- મૃતક અક્ષયનો માતાને છેલ્લો કૉલ
પોલીસની પ્રાથમિક તપાસમાં મોડી રાતે અઢી વાગ્યાના અરસામાં અક્ષયે માતા અલકાબેનને ફોન કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, બેગ મોટી હોવાથી બાઈક પર લાવતા નહી ફાવે, હું ઉબેરમાં ઘરે આવું છું. જે બાદ સવારે 6 વાગ્યે પોલીસે અક્ષયની માતાને ફોન કરીને અકસ્માતની જાણ કરતાં તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
