Ahmedabad Hit and Run: અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ બ્રિજ નજીક બુધવારની મોડી રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવકને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મોડી રાત્રે બોપલ બ્રિજ નજીક અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ સરખેજ વિસ્તારમાં આવેલી રત્નકર બિલ્ડરની કોલોનીમાં રહેતા દિનેશભાઈ કોટેડના મોટાભાઈ સુખદેવભાઈ કોટેડ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. ગત 6 મેના રોજ રાત્રે સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ બ્રિજ નજીક આ હિટ એન્ડ રનની ઘટના બની હતી.
રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સુખદેવભાઈના ભાઈ દિનેશભાઈ ઘરે હાજર હતા, ત્યારે તેમની ભાભીએ ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ દિનેશભાઈ બોપલ બ્રિજ પાસે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ટોળું જમા થયેલું હતું, અને તેમનો ભત્રીજો રાહુલ પણ હાજર હતો.
રોડ ક્રોસ કરતી વખતે કાળ ભેટી ગયો
મૃતકના ભત્રીજા રાહુલે જણાવ્યું કે, બોપલ બ્રિજના છેડે સરસ્વતી હોસ્પિટલ તરફ સુખદેવ રિક્ષા ઊભી રખાવી હતી, અને ત્યારબાદ તેઓ પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ જ સમયે એક બેફામ ટ્રક ચાલકે સુખદેવભાઈને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા સુખદેવભાઈનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
અકસ્માત સર્જનાર ટ્રક ચાલક થયો ફરાર
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને યુવકને રઝળતો છોડીને ઓગણજ તરફ નાસી છૂટ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે ત્યાં હાજર એક જાગૃત રિક્ષા ચાલકે ભાગી રહેલા ટ્રક ચાલકનો પીછો કર્યો હતો. રિક્ષા ચાલક પાછળ આવી રહ્યો છે તે જોઈને ગભરાયેલો ટ્રક ચાલક ઓગણજ સુધી પહોંચીને ત્યાં પોતાની ટ્રક બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પરિવારમાં શોકનો માહોલ, પોલીસ તપાસ
આ સમગ્ર ઘટના સંદર્ભે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી લીધી છે અને આરોપી ચાલકને ઝડપી પાડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે. શ્રમજીવી પરિવારના મોભીનું આવી રીતે કમકમાટીભર્યું મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
