Ahmedabad: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજાર-સિંધી માર્કેટમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજાર-સિંધી માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં માર્કેટની 30થી વધુ દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. જેના કારણે આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાતા હતા.
આ બાબતની જાણ થતાં ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો ફાયર વિભાગના જવાનો દ્વારા ચોતરફથી પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લે મળેલી માહિતી પ્રમાણે, દુકાનોના બહારના ભાગમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. જો કે દુકાનોની અંદર કાપડનો મોટો જથ્થો હોવાથી ધીમે-ધીમે આગ ભડકી રહી છે. જેના પગલે ફાયર વિભાગના જવાનો જીવના જોખમે દુકાનોના છાપરાની ઉપર ચડીને આગ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે.
હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણી જાણી શકાયું નથી. સદ્દનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાપડનો માલ-સામાન બળીને ખાખ થઈ જવાથી વેપારીઓને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
