Loading...

Ahmedabad Fire: શેલાના 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ'માં ભીષણ આગ, ત્રીજા માળેથી જ્વાળાઓ ચોથા માળ સુધી પ્રસરી

Ahmedabad Fire News: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શેલામાં આજે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 26 Mar 2026 09:02 AM (IST)Updated: Thu 26 Mar 2026 09:17 AM (IST)
ahmedabad-fire-at-skycity-riviera-elite-shela-12-fire-engines-deployed-smoke-reaches-15-floors-715528

Ahmedabad Fire News: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શેલામાં આજે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગના સી (C) બ્લોકમાં વહેલી સવારે લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.

સવારે 8:00 વાગ્યે આગનો કોલ મળ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે 26 માર્ચના રોજ સવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને જાણ થતા જ પ્રાથમિક તબક્કે 2 થી 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે તે ત્રીજા માળથી પ્રસરીને ચોથા માળના રહેણાંક હિસ્સા સુધી પહોંચી ગઈ હતી.

15 માળ સુધી ધુમાડાના ગોટા

આગની ભીષણતાને કારણે બિલ્ડિંગના 15 માળ સુધી કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતા સી બ્લોકના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા તાત્કાલિક બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. ચોથા માળના રહીશો પણ સમયસૂચકતા વાપરીને ઘરની બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

સ્થિતિની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ દ્વારા વધુ કાફલો બોલાવવામાં આવ્યો હતો. કુલ 12 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને વોટર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસરનું નિવેદન

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેએ જણાવ્યું હતું કે, 'ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ફાયરના 8 વાહનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહી બચાવ કામગીરી પૂર્ણ કરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.'