Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદા બાદ માનવીય સંવેદનાઓને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. વર્ષ 1997માં માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા એક પૂર્વ પોલીસકર્મીને 27 વર્ષના લાંબા સંઘર્ષ બાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા. જોકે, કમનસીબ વિટંબણા એ રહી કે વર્ષો સુધી જે સન્માન માટે તેઓ લડતા રહ્યા, તે પાછું મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમનું કુદરતી રીતે નિધન થયું હતું.
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની શરૂઆત વર્ષ 1997માં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા વિશાલ જંકશનથી થઈ હતી. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ એવો આક્ષેપ કર્યો હતો કે ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પસાર થતા ટ્રક ચાલકો પાસેથી નાની રકમની લાંચ ઉઘરાવે છે. આ છટકામાં એક પોલીસ કોન્સ્ટેબલ પર ₹20ની લાંચ લેવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
22 વર્ષ સુધી હાઈકોર્ટમાં ચાલી કાનૂની લડાઈ
વર્ષ 2004માં અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ પોલીસકર્મીને દોષિત ઠેરવી 3 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ આ ચુકાદાને પડકારતા પોલીસકર્મીએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. છેલ્લા 22 વર્ષથી આ કેસ હાઈકોર્ટમાં પડતર હતો. આ દરમિયાન તેમને નોકરી ગુમાવવી પડી અને સામાજિક રીતે પણ ઘણું સહન કરવું પડ્યું હતું.
"જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારું"
ગઈકાલે હાઈકોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને રાખી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ચુકાદો આવ્યા બાદ તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેઓ સીધા જ પોતાના વકીલની ઓફિસે પહોંચ્યા અને મનની શાંતિ વ્યક્ત કરતા વકીલને કહ્યું હતું કે- સાહેબ, આજે મારા જીવન પર લાગેલો કલંક ધોવાઈ ગયો છે. હવે જો ભગવાન મને પોતાની પાસે બોલાવી લે તો પણ મને કોઈ વાંધો નથી.
ન્યાય મળ્યો પણ જીવનનો અંત આવ્યો
કોર્ટથી રાહત મળ્યા બાદ તેઓ પાટણ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા. પરંતુ જાણે કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. જે રાત્રે ન્યાય મળ્યો તે જ રાત્રે તેમનું હૃદય રોગના હુમલા કે કુદરતી કારણોસર અવસાન થયું. 27 વર્ષ સુધી જે સન્માનિત જીવન માટે તેમણે કાયદાકીય જંગ લડ્યો, તે જીત્યા પછી તેઓ એક દિવસ પણ એ ગર્વ સાથે જીવી શક્યા નહીં.
ન્યાય પ્રણાલી પર ઉઠતા સવાલ
આ કિસ્સો ફરી એકવાર ભારતીય ન્યાયતંત્રમાં થતા વિલંબ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભા કરે છે. માત્ર 20 રૂપિયા જેવી નજીવી રકમ માટે વ્યક્તિના જીવનના શ્રેષ્ઠ 27 વર્ષ કોર્ટના ચક્કરમાં વીતી ગયા. ન્યાય તો મળ્યો, પણ શું તેને સમયસરનો ન્યાય કહી શકાય?
