Loading...

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026: ભાજપ એક્શન મોડમાં આવ્યું, ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા આજથી શરૂ

આ સેન્સ પ્રક્રિયા અમદાવાદ શહેરમાં કુલ સાત સ્થળોએ ચાલી રહી છે. સાયન્સ સિટી ખાતે આવેલા આર.કે. રોયલ હોલ ખાતે વેજલપુર વિધાનસભા હેઠળ આવતા ચાર વોર્ડ માટે સેન્સ લેવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 02 Apr 2026 01:11 PM (IST)Updated: Thu 02 Apr 2026 01:11 PM (IST)
ahmedabad-municipal-corporation-elections-2026-bjp-screening-of-candidates-begins-today-720139

Ahmedabad Municipal Corporation Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અમદાવાદ મહાનગરપાલિકા (મનપા) ચૂંટણી 2026 માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કર્ણાવતી મહાનગરમાં મજબૂત અને યોગ્ય ઉમેદવારોની પસંદગી સુનિશ્ચિત કરવા માટે પક્ષ દ્વારા આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ચાર વોર્ડ માટે સેન્સ લેવામાં આવી રહી છે

આ સેન્સ પ્રક્રિયા અમદાવાદ શહેરમાં કુલ સાત સ્થળોએ ચાલી રહી છે. સાયન્સ સિટી ખાતે આવેલા આર.કે. રોયલ હોલ ખાતે વેજલપુર વિધાનસભા હેઠળ આવતા ચાર વોર્ડ માટે સેન્સ લેવામાં આવી રહી છે. અમદાવાદ મનપાની કુલ 192 બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પ્રક્રિયા દરમિયાન ભાનુબેન બાબરિયા, હર્ષ દવે અને રાજેશ ચુડાસમા નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા છે. કાર્યકર્તાઓ અને સંભવિત ઉમેદવારો તેમની સમક્ષ પોતાની રજૂઆતો કરી રહ્યા છે. જોકે, ઉમેદવારોના નામ અંગેનો અંતિમ નિર્ણય ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.

ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ઉપરાંત એક વધારાનું ફોર્મ ભરાવાઈ રહ્યું છે

પ્રારંભિક તબક્કામાં દાવેદારોમાં થોડી નિરુત્સાહતા જોવા મળી હતી. સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં સવારના 11 વાગ્યા સુધીમાં માત્ર 30 જેટલા લોકો જ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા, જ્યારે સામાન્ય રીતે ચાર બેઠકો માટે 60 થી 65 દાવેદારો આવતા હોય છે. સેન્સ પ્રક્રિયા શરૂ થતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ઉપરાંત એક વધારાનું ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. આ ફોર્મમાં છેલ્લા ત્રણ ચૂંટણીની વિગતો, જેમ કે કયા વર્ષમાં ચૂંટણી લડ્યા, પરિણામ અને અગાઉ કોઈ પદ ધરાવ્યું હોય તો તેની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

ઉમેદવારીના માપદંડો અંગે ભાજપ સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળી

ઉમેદવારીના માપદંડો અંગે બુધવારે ભાજપ સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC) ની બેઠક મળી હતી, જેમાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. 26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના માપદંડો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સૂત્રો અનુસાર, સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી મળશે નહીં. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણપણે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

આ ઉપરાંત, ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો પણ નિર્ણય કર્યો છે. જે નેતાઓએ સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડી છે તેમને આ વખતે આરામ આપવામાં આવી શકે છે. ભાજપના આ નવા અને કડક માપદંડોથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર પાયાના કાર્યકરોને પ્રાથમિકતા અપાશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને વધુ તેજ બનાવવા અને પેજ સમિતિઓને સક્રિય કરવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલે મતદાન યોજાશે. મતગણતરી 28મી એપ્રિલે હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે જ બુધવારથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.