AMC Election 2026 BJP Sens: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) ટિકિટ મેળવવા કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા અમદાવાદના તમામ 48 વોર્ડમાં દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
192 બેઠકો માટે 2364 દાવેદાર
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગત 2 અને 3 એપ્રિલ દરમિયાન યોજાયેલી આ પ્રક્રિયામાં કુલ 192 બેઠકો માટે 2364 કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે સરેરાશ એક બેઠક દીઠ 12 થી વધુ ઉમેદવારો ટિકિટની રેસમાં છે.
મહિલા-પુરુષ દાવેદારોની સ્થિતિ
ભાજપમાં મહિલા અનામત બેઠકો પર પણ ટિકિટ માટે જબરો ઉત્સાહ છે. શહેરમાં મહિલાઓ માટે અનામત 96 બેઠક પર 1034 મહિલા કાર્યકરોએ પોતાના બાયોડેટા આપ્યા છે, જેનો અર્થ છે કે એક બેઠક પર સરેરાશ 11 મહિલાઓ દાવેદાર છે. બીજી તરફ, પુરુષોની 96 બેઠકો માટે 1330 ફોર્મ આવ્યા છે, જ્યાં સરેરાશ 14 દાવેદારો વચ્ચે ટિકિટ માટે સીધી સ્પર્ધા છે.
નિકોલ વોર્ડમાં સૌથી વધુ પડાપડી
વિસ્તાર અને વોર્ડ મુજબ દાવેદારોની સંખ્યા પર નજર કરીએ તો, નિકોલ વોર્ડમાં ટિકિટ મેળવવા માટે સૌથી વધુ 95 દાવેદારો નોંધાયા છે. જ્યારે તેની સરખામણીમાં મક્તમપુરા વોર્ડમાં સૌથી ઓછા માત્ર 16 કાર્યકરોએ જ ટિકિટ માંગી છે.
આ પણ વાંચો: Gujarat: આમ આદમી પાર્ટીએ 2500થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, સામાન્ય લોકોને તક આપી
જ્ઞાતિ અને વર્ગ મુજબ દાવેદારી
ભાજપમાં તમામ વર્ગના લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટિકિટ માંગનારાઓનું જ્ઞાતિ-વર્ગ મુજબનું ચિત્ર નીચે મુજબ છે:
- સામાન્ય વર્ગ: 629 મહિલા અને 869 પુરુષ દાવેદાર
- ઓબીસી (OBC): 297 મહિલા અને 316 પુરુષ દાવેદાર
- એસસી (SC): 103 મહિલા અને 136 પુરુષ દાવેદાર
- એસટી (ST): 6 મહિલા અને 9 પુરુષ દાવેદાર
હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં ભાજપનું હાઇકમાન્ડ આ 2364 દાવેદારોમાંથી કયા 192 ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળે છે.
