Ahmedabad News: અમદાવાદમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ફાર્મા કંપનીના ડેપ્યુટી મેનેજર યુવકે ડેટિંગ એપના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ હતી. યુવતીની વાતોમાં આવીને યુવકે અજાણી એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું. યુવકે લાખો રુપિયાનું રોકાણ કર્યું. જેની સામે મોટો નફો બતાવતા હતાં, જેથી યુવકે વધારે નફો ઉપાડવા વધુ રૂપિયા ભર્યા છતાં યુવકને નાણા પરત આપ્યા નહોતાં, યુવક સાથે 56.35 લાખની છેતરપિંડી મામલે યુવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવક સાથે છેતરપિંડી
મળતી વિગતો મુજબ, મણીનગરમાં રહેતો અને એક ફાર્મા કંપનીમાં ડે.મેનેજર તરીકે નોકરી કરતા યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. યુવક છેલ્લા પાંચ વર્ષથી ડેટિંગ એપ્લિકેશન ટિન્ડરનો ઉપયોગ કરે છે. યુવકને એપ પર આરોહી ગુપ્તા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને એ થોડો સમય વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ યુવકને કરન્સી ટ્રેડિંગના રોકાણ કરવા જણાવેલ હતું. તેમજ સારા વળતરની લાલચ આપી હતી.
યુવકે એપમાં લાખોનું રોકાણ કર્યું
યુવતીની વાતોમાં આવીને યુવકે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં યુવકે તેની ડોક્યુમેન્ટ સહિતની વિગતો ભરીને એકાઉન્ટ ખોલાવ્યું હતું. એકાઉન્ટમાં શરૂઆતમાં યુવકે 40,000નો રોકાણ કરતા નફા સાથે 43,000થી વધુની રકમ એપ્લિકેશન પર બતાવતા હતા. જેથી યુવકને વિશ્વાસ બેસી ગયો હતો.
પૈસા ઉપાડવા વધુ રકમ ભરી
પીડિત યુવક યુવતીની વાતો પર વિશ્વાસ મૂકીને ટુકડે-ટુકડે એપ્લિકેશનમાં 35. 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે યુવકને 1.24 કરોડ રૂપિયા નફો દેખાડતા હતા. યુવકે નફા સાથેની રકમ ઉપાડવાનો પ્રયત્ન કરતા યુવકને અલગ અલગ બહાના હેઠળ પૈસા ભરવાનું જણાવ્યું હતું. યુવકે 17 લાખ અને 3.95 લાખ એમ અલગ-અલગ રકમ ભરી હતી.તેમ છતાં યુવકને કોઈ રકમ પરત આપવામાં આવી નહી, જેથી યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા યુવકે 56.35 લાખની છેતરપિંડીની ફરિયાદ સાઈબર ક્રાઈમમા નોંધાવી છે.
