Loading...

Ahmedabad: સોલા ઓવરબ્રિજ પાસે BRTS બસનો અકસ્માત; ડ્રાઈવરની સમયસૂચકતા કામ આવી, મોટો અકસ્માત સર્જાતા ટળ્યો

BRTS બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 06 Feb 2026 11:06 AM (IST)Updated: Fri 06 Feb 2026 11:06 AM (IST)
ahmedabad-brts-bus-collides-with-pillar-of-sola-overbridge-driver-injured-686738
HIGHLIGHTS
  • BRTS બસ સોલા ઓવરબ્રિજના નીચેના પિલર સાથે અથડાઈ
  • BRTS બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં અકસ્માત સર્જાયો હતો
  • બસ ડ્રાઈવર કેબિનમાં ફસાયો, 45 મિનિટ બાદ બહાર કઢાયો

Ahmedabad BRTS Bus Accident: અમદાવાદના સોલા ઓવરબ્રિજ પાસે ગુરુવારે સવારે એક BRTS બસનો અકસ્માત સર્જાયો હતો. અહીં સવારના સમયે એક BRTS બસ અચાનક રોડની વચ્ચે આવેલા ઓવરબ્રિજના નીચેના પિલર સાથે અથડાઈ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીજી તરફ બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલ સામે BRTS બસનો અકસ્માત

આ અંગે મળતી માહિતી અનુસાર, સોલા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી BRTS બસનું સ્ટેરિંગ લોક થઈ ગયું હતું. સ્ટેરિંગ લોક થવાના કારણે ડ્રાઇવર બસને કાબૂ ન કરી શક્યા અને બસ સીધી બ્રિજના પિલર સાથે અથડાઈ હતી. આ બનાવમાં બસના બોનેટ અને એન્જિન કેબિનના ખૂરચા નીકળી ગયા, અને કાચના પણ ટુકડે ટુકડા થઈ ગયા હતા.

બસનું સ્ટિયરિંગ લોક થતા સર્જાયો અકસ્માત

થલતેજ સ્ટેશનના ફાયર ઓફિસર રવિદાન ગઢવીએ જણાવ્યું કે, સવારે 6.30 વાગ્યાની આસપાસ કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે, સોલા સિવિલ હોસ્પિટલની સામે બ્રિજના પિલર સાથે BRTS બસ અથડાઈ છે. બસનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું. બસનો આગળનો ભાગ અથડાયો હોવાથી ડ્રાઈવર અંદર ફસાઈ ગયા છે.

ફસાયેલા બસ ડ્રાઈવરને માંડ બહાર કાઢ્યા

બસના ડ્રાઈવરના બંને પગ તથા તેનો પેટનો ભાગ સ્ટિયરિંગ આગળ આવી ગયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવર ફસાઈ ગયા હતા, અને બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી. જેથી તાત્કાલિક બે ટીમો બનાવીને હાઇડ્રોલિક્સ ટુલ્સ, કટર તથા જેકનો ઉપયોગ કરીને અંદરના ભાગેથી પતરા તથા સીટ કાપવાનું શરૂ કર્યું. 45 મિનિટની જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યા હતા.

બસ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો

આ બનાવમાં ચાલુ બસમાં અચાનક સ્ટિયરિંગ લોક થઈ જતા બસ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી. કોઈ વાહન સાથે ટક્કર ના થાય તે માટે ડ્રાઈવરે બ્રિજના પિલર સાથે બસને અથડાવી. જેના કારણે બસમાં સવાર 15 પેસેન્જરો સુરક્ષિત રહ્યા અને અકસ્માત થતા જ તેઓ બહાર નીકળી ગયા હતા. અકસ્માત બાદ લોકો મદદ કરવાની જગ્યાએ પોતાના મોબાઈલમાં વીડિયો બનાવવા લાગ્યા હતા.