Ahmedabad News: અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ડિવાઇડર કૂદીને એક ફોર્ચ્યુનર કાર સામેથી આવતી એસટી બસ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના આ બનાવમાં કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતક વકીલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. કારને હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આ ઘટના વહેલી સવારે બની હતી. સરખેજથી ગાંધીનગર તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે વૈષ્ણોદેવી બ્રિજ પાસે એક સફેદ રંગની કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સામેથી આવી રહેલી હિંમતનગર-રાજકોટ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના આ બનાવમાં ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ફોર્ચ્યુનર સાથે અથડાયા બાદ કાર ડિવાઇડર ચડીને સામેના રોડ પર જતી રહી હતી. આ બનાવમાં ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી એક બ્રેઝા કારને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર ગાંધીનગરના જાણીતા વકીલ આઈ. બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલાનું મોત થયું હતું. ફોર્ચ્યુનરમાં સવાર અન્ય એક યુવતીને પણ ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત, અફસાનાબાનુ સમેરભાઈ ખલીફા (ઉં.વ. 23) અને રસુલભાઈ બાબુભાઈ આઝમ (ઉં.વ. 32) નામના બે અન્ય વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને કારણે મુખ્ય હાઈવે પર અડધો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી અને ક્રેનની મદદથી ફોર્ચ્યુનર કારને રોડ પરથી હટાવવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
