તારક મહેતા... છોડ્યાના 9 વર્ષ બાદ બદલાઈ ગયો 'ટપ્પુ', જાણો હવે કઈ ઇન્ડસ્ટ્રીમાં મચાવી રહ્યો છે ધમાલ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ જૂનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી અત્યારે ક્યાં છે? જાણો શો છોડ્યા પછી તેની ફિલ્મી સફર, આગામી ફિલ્મો અને તેના બદલાયેલા લુક વિશે સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 20 Jun 2026 04:43 PM (IST)Updated: Sat, 20 Jun 2026 04:43 PM (IST)
what-is-the-old-tappu-doing-now-9-years-after-leaving-taarak-mehta-ka-ooltah-chashmah

Bhavya Gandhi Birthday: લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુ (ટીપેન્દ્ર ગડા)નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેતા ભવ્ય ગાંધી આજે 20 જૂન પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ચાહકોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે વર્ષ 2017માં શોને અલવિદા કહ્યા બાદ, એટલે કે લગભગ 9 વર્ષ પછી, જૂનો ટપ્પુ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યો છે?

મુંબઈના ગુજરાતી જૈન પરિવારમાં જન્મેલા ભવ્ય ગાંધીએ બાળ કલાકાર તરીકે વર્ષ 2008માં આ શોથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નવરાત્રિની મસ્તી હોય કે સોસાયટીની ધમાલ, ટપ્પુ સેનાના લીડર તરીકે તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે, કરિયરમાં કંઈક નવું કરવાની ચાહ સાથે તેણે 2017માં આ સુપરહિટ શો છોડી દીધો હતો. હાલમાં શોમાં નીતિશ ભાલુની ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ ભવ્યનો ક્રેઝ આજે પણ અકબંધ છે.

ગુજરાતી સિનેમામાં જમાવી ધાક

‘તારક મહેતા...’ છોડ્યા પછી ભવ્ય ગાંધીએ પ્રાદેશિક સિનેમા તરફ પ્રયાણ કર્યું. તેણે વર્ષ 2017માં રિલીઝ થયેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' દ્વારા ઢોલીવુડમાં શાનદાર ડેબ્યૂ કર્યું. આ ફિલ્મથી તેની ફિલ્મી સફરને એક નવી દિશા મળી. ત્યારબાદ તેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક ફિલ્મો કરી, જેમાં 'બઉ ના વિચાર' અને 'બાપ ધમાલ દીકરા કમાલ' જેવી ફિલ્મો મુખ્ય છે. પોતાની સશક્ત એક્ટિંગના દમ પર તે ગુજરાતી સિનેમાનો જાણીતો ચહેરો બની ગયો છે.

હિન્દી ટેલિવિઝન અને બોલિવૂડમાં એન્ટ્રી

માત્ર ગુજરાતી ફિલ્મો જ નહીં, ભવ્ય હિન્દી મનોરંજન જગતમાં પણ સક્રિય રહ્યો છે. વર્ષ 2019માં તે એન્ડ ટીવીના શો 'શાદી કે સિયાપે'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ તે સોની સબ ચેનલના લોકપ્રિય શો 'પુષ્પા ઇમ્પોસિબલ'માં પણ એક મહત્વપૂર્ણ પાત્રમાં નજર આવ્યો હતો. આ સિવાય તેણે 'કેસરી વીર' નામની ફિલ્મ દ્વારા બોલિવૂડ હિન્દી સિનેમામાં પણ કદમ મૂક્યા છે.

આગામી પ્રોજેક્ટ્સ અને સોશિયલ મીડિયા

ભવ્ય ગાંધી ભલે નાની સ્ક્રીન પર રોજ ન દેખાતો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફની ઝલક ફેન્સ સાથે શેર કરતો રહે છે. લુકની બાબતમાં પણ તે હવે પહેલા કરતાં ઘણો બદલાઈ ગયો છે અને હેન્ડસમ દેખાય છે. તેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તે ખૂબ જ ટૂંક સમયમાં 'ડોક્ટર ડોક્ટર' નામની ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે.

ટૂંકમાં, નાનો ટપ્પુ હવે મોટો થઈ ગયો છે અને ટીવીની દુનિયામાંથી બહાર નીકળીને ગુજરાતી અને હિન્દી સિનેમામાં પોતાની પ્રતિભાના રંગ વિખેરી રહ્યો છે.