Laalo Film: ગુજરાતભરને ઘેલું લગાવી દેનારી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે’ (Laalo Shree Krishna Sada Sahaayate ) હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓના દિલમાં રાજ કરવા આવી રહી છે. આવતીકાલથી એટલે કે 5 ડિસેમ્બર, 2025થી આ ફિલ્મ અમેરિકાના 21 મોટા શહેરોમાં એકસાથે રિલીઝ થવા જઈ રહી છે.
આ અંગે ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયાએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં અમને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, એજ પ્રેમ હવે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પાસેથી પણ મળશે તેની અમને પૂરેપૂરી આશા છે.
અમારી ફિલ્મ 'લાલો' અમેરિકાના કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ટેક્સાસ, ફ્લોરિડા, જ્યોર્જિયા, વર્જિનિયા, વોશિંગ્ટન, ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ સહિત અનેક રાજ્યોના મુખ્ય શહેરોમાં જોવા મળશે.
અમને ખબર છે કે, ઘણાં લોકોએ અનઑફિશિયલી ફોનમાં અમારી ફિલ્મ જોઈ લીધી છે. જો કે હવે સત્તાવાર રીતે 'લાલો' ફિલ્મ અમેરિકાના થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ગુજરાત અને ભારતમાં 'લાલો' ફિલ્મને લોકોએ ખૂબ વધાવી છે.
અમારી ફિલ્મ જોઈને લોકો કૃષ્ણમય થયા છે અને ગરબે ઘૂમ્યા છે, ત્યારે હવે અમેરિકાનો વારો છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ તમે પણ થિયેટર્સમાં જાવ અને 'લાલો' ફિલ્મને માણી કૃષ્ણમય થાવ. પ્રભુ તમને સામેથી મળવા આવી રહ્યા છે, તો અમરિકામાં વસતા ગુજરાતીઓ પ્રભુને મળવા તૈયાર થઈ જાવ. જય દ્વારકાધીશ.
જણાવી દઈએ કે, 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ગુજરાતની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારા ડિરેક્ટર અંકિત સખિયાની આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રાચ્છ અને શ્રુહર્દ ગોસ્વામીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગુજરાતી સિનેમામાં ઈતિહાસ સર્જનારી આ ફિલ્મ વિદેશોમાં પણ સફળતાના શિખરો સર કરી રહી છે. કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા ઉપરાંત ખાડી દેશો જેવા દુબઈ, ઓમાન, અબુધાબી, કતાર અને બહેરીનમાં પણ આ ફિલ્મના શૉ સફળ થઈ રહ્યા છે.
