Border 2 First Day Advance Booking Report: બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર ગર્જના કરવા માટે તૈયાર છે. તેની મચ અવટેડ ફિલ્મ 'બોર્ડર 2' (Border 2) ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેના એડવાન્સ બુકિંગના આંકડાઓએ બોક્સ ઓફિસ પંડિતોને ચોંકાવી દીધા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ કરોડોની કમાણી કરીને બ્લોકબસ્ટર બનવાની દિશામાં આગળ વધી રહી છે.
પ્રજાસત્તાક પર્વ પર દેશભક્તિનો માહોલ
જ્યારથી 'બોર્ડર 2' ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી જ ચાહકોમાં આ ફિલ્મ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોએ દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. ખાસ કરીને આ ફિલ્મ રિલીઝ માટે પ્રજાસત્તાક દિવસ (Republic Day) નો સમય પસંદ કરવામાં આવ્યો હોવાથી, દેશભક્તિની લાગણી અને રજાનો લાભ ફિલ્મને મળે તેવી શક્યતા છે.
એડવાન્સ બુકિંગમાં રેકોર્ડબ્રેક કમાણી
ફિલ્મ સમીક્ષકોના મતે, 'બોર્ડર 2' વર્ષ 2026 ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે. બોક્સ ઓફિસ ટ્રેકર 'સેકનિલ્ક' (Sacnilk) ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા અત્યાર સુધીમાં 10.21 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે (જેમાં બ્લોક સીટનો પણ સમાવેશ થાય છે). ટિકિટ વેચાણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 1,82,793 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે અને રિલીઝ સુધીમાં આ આંકડો 250,000 સુધી પહોંચવાનો અંદાજ છે. બોક્સ ઓફિસ પર અન્ય કોઈ મોટી ફિલ્મની સ્પર્ધા ન હોવાથી આ ફિલ્મને સ્ક્રીન્સ પણ વધુ મળી છે.
નવી સ્ટારકાસ્ટ અને નવી કહાની
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ જે.પી. દત્તાની 1997 માં આવેલી સુપરહિટ ફિલ્મ 'બોર્ડર' ની સિક્વલ છે, પરંતુ તેની વાર્તા સંપૂર્ણપણે નવી હશે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલની સાથે અહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ અને વરુણ ધવન જેવા યુવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
