Loading...

RTE Admission 2026: RTE હેઠળ 84 હજારથી વધુ બેઠકમાં પ્રવેશ માટે આજથી ઑનલાઈન રજિસ્ટ્રેશન, 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

આ વર્ષે RTEમાં કેટલાક મોટા ફેરફાર કરવાથી વાલીઓને મોટી રાહત મળશે. જેમાં આવક મર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી છે, તો વાલીઓને પાળી પસંદ કરવાની પણ છૂટ અપાઈ છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 04 Apr 2026 02:24 AM (IST)Updated: Sat 04 Apr 2026 02:24 AM (IST)
rte-gujarat-admission-2026-27-starts-from-today-apply-online-before-april-17-721214
AI Image
HIGHLIGHTS
  • ગરીબ-મધ્યમ વર્ગના વાલીઓને પોતાના બાળકને મફત ભણાવવાની સુવર્ણ તક
  • RTE અંતર્ગત અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવશે, જે માટે 13 કેટેગરી નક્કી કરાઈ

RTE Admission 2026: રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં 84 હજાર કરતાં વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવવા માટે આજથી ઑનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. આ માટે વાલીઓ આગામી 17 એપ્રિલ સુધી ઑનલાઈન અરજી કરી શકશે.

ક્યા માધ્યમમાં કેટલી બેઠકો ફાળવવામાં આવી?

ગત વર્ષે RTE હેઠળ કુલ 93 હજાર જેટલી બેઠકો ફાળવવામાં આવી હતી. જેમાં ગુજરાતની 9741 સ્કૂલોની કુલ 93,860 બેઠકો હતી, પરંતુ આ વર્ષે 84 હજારથી વધુ બેઠકો જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

હવે જો મીડિયમ પ્રમાણે વાત કરીએ તો, આ વર્ષે સૌથી વધુ 41,411 બેઠકો ગુજરાતી માધ્યમ માટે ફાળવવામાં આવી છે. આ સિવાય અંગ્રેજી માધ્યમમાં 40,262 બેઠકો, હિન્દી માધ્યમમાં 2,235 બેઠકો તેમજ અન્ય માધ્યમમાં 320 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ માટેની પાત્રતા અને જરૂરી ડૉક્યુમેન્ટ્સ

RTE એક્ટ 2009ના પ્રવેશ નિયમ અંતર્ગત 2026-27માં ધોરણ-1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકની ઉંમર 1 જૂન, 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. જો બાળકના 6 વર્ષ પૂરા નહીં થતાં હોય તો તેની અરજી રદ્દ કરવામાં આવશે.

આર.ટી.ઈ.ની સત્તાવાર વેબસાઈટ્સ (https://rte.orpgujarat.com/) પર એડમિશન માટે ઑનલાઈન ફોર્મ ભરતી વખતે વાલીઓ જરૂરી આધાર-પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

આવક મર્યાદા વધી, પાળી પસંદ કરવાની છૂટ મળતા વાલીઓને મોટી રાહત

અગાઉ RTE હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં 1.50 લાખ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. જો કે વાલી મંડળ દ્વારા અન્ય રાજ્યોના દાખલા તેમજ વર્તમાન મોંઘવારીનો ઉલ્લેખ કરીને સરકાર સમક્ષ આવક મર્યાદા વધારવાની રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી એમ બન્ને વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે.

આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા RTE પોર્ટલમાં પાળી પદ્ધતિને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વાલીઓને ફોર્મ ભરતી વખતે પોતાની જાતે જ સવાર કે બપોરની પોતાને અનુકુળ પાળી પસંદ કરી શકશે.

નવી સિસ્ટમ અનુસાર, ગુજરાતની 9,709 ખાનગી સ્કૂલો પૈકી 56 શાળાઓ સવાર અને બપોર એમ બન્ને પાળીમાં ચાલે છે. જેથી આવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાળી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરી શકશે.

અગ્રતા ક્રમ અનુસાર પ્રવેશ ફાળવવામાં આવશે

RTE અંતર્ગત 13 કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે, જે માટે તેમનો અગ્રતા ક્રમ પણ નક્કી કરવામાં આવેલો છે. આ અગ્રતાક્રમ અનુસાર આવતા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ ફાળવવામાં આવે છે.

આ વર્ષે જે 13 કેટેગરી નક્કી કરવામાં આવી છે, તે પ્રમાણે અનાથ બાળકો, બાળ મજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો તેમજ BPL કાર્ડ ધારકોને પ્રથમ અગ્રતા આપવામાં આવી છે. જે બાદ અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST) અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.