Petrol Diesel Prices Fall in 2026: નવા વર્ષ 2026 માં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે. SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થવાના સંકેત છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી જૂન મહિના સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવ તળિયે બેસીને $50 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો આ અનુમાન સાચું પડે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નિશ્ચિત મનાય છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ સામાન્ય વધારા સાથે $61.76 પ્રતિ બેરલ પર છે, જ્યારે WTI ક્રૂડમાં નરમાઈ સાથે ભાવ $58.29 પ્રતિ બેરલ આસપાસ છે. જોકે, એકંદરે બજારમાં મંદીનો માહોલ છે.
ઘટાડાનું કારણ શું?
TOI ના રિપોર્ટ પ્રમાણે, અમેરિકન એજન્સી એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) નો અંદાજ છે કે વૈશ્વિક સ્તરે ઓઈલની ઇન્વેન્ટરી (સ્ટોક) માં વધારો થવાને કારણે ભાવ દબાણમાં રહેશે. 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં જ બ્રેન્ટ ક્રૂડ સરેરાશ $55 ની સપાટીએ આવી શકે છે.
છેલ્લે ક્યારે ભાવ ઘટ્યા હતા?
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લે માર્ચ 2024 માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ₹2 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ભાવ સ્થિર છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ ક્યાં?
સૌથી સસ્તું પેટ્રોલ (પ્રતિ લિટર ભાવ)
- પોર્ટ બ્લેર: ₹82.46
- ઇટાનગર: ₹90.87
- સેલવાસ: ₹92.37
- દમણ: ₹92.55
- હરિદ્વાર: ₹92.78
સૌથી સસ્તું ડીઝલ (પ્રતિ લિટર ભાવ)
- પોર્ટ બ્લેર: ₹78.05
- ઇટાનગર: ₹80.38
- જમ્મુ: ₹81.32
- સામ્બા: ₹81.58
- કઠુઆ: ₹81.97
- ચંદીગઢ: ₹82.44
(સ્રોત: ઈન્ડિયન ઓઈલ)
