Loading...

Gold Price: સોનાના ભાવમાં ઘટાડો થશે? જાણો શું કહે છે નિષ્ણાતો; શું અત્યારે સોનું ખરીદવું હિતાવહ છે કે હજુ રાહ જોવી જોઈએ?

નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં 20 ટકા જેટલો મોટો ઘટાડો થવાની કોઈ જ શક્યતા નથી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 01 Feb 2026 09:04 AM (IST)Updated: Sun 01 Feb 2026 09:04 AM (IST)
will-gold-prices-fall-know-what-experts-say-683410

Gold Price News: સોનાની કિંમતોમાં સતત થઈ રહેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય ખરીદદારો અને રોકાણકારો અત્યારે ભારે મૂંઝવણમાં છે. દાગીના ખરીદવા ઈચ્છતા લોકોના મનમાં એક જ સવાલ છે: "શું અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કે ભાવ ઘટવાની રાહ જોવી જોઈએ?" આ પ્રશ્નનો જવાબ આપતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી આનંદ શ્રીનિવાસને કેટલાક મહત્વના પાસાઓ રજૂ કર્યા છે.

શું સોનાના ભાવમાં મોટો ઘટાડો શક્ય છે?

ઘણા લોકોને આશા છે કે સોનાના ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો આવશે, પરંતુ આનંદ શ્રીનિવાસનના મતે તેની શક્યતા બહુ ઓછી છે. તેમણે જણાવ્યું હતું કે, સોનાના ભાવ ઘટાડવા માટે અમેરિકા અને જાપાન જેવા દેશોમાં વ્યાજના દર વધવા જરૂરી છે. જોકે, વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિ જોતા આ દેશો વ્યાજ દરમાં વધારો કરે તેવું જણાતું નથી. તેમજ જે યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય તણાવને કારણે સોનાના ભાવ વધ્યા છે, તે પરિસ્થિતિમાં ટૂંક સમયમાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી.

સોનામાં ભાવ કેટલા ઘટી શકે?

નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં 20 ટકા જેટલો મોટો ઘટાડો થવાની કોઈ જ શક્યતા નથી. હાલમાં એક ગ્રામ સોનાની કિંમત અંદાજે ₹15,000 ની આસપાસ છે, જે ઘટીને ₹12,000 થઈ જશે તેવી આશા રાખવી હાલના તબક્કે નિરર્થક છે. બજારમાં નાની-મોટી વધઘટ આવી શકે છે, પરંતુ કિંમતો ફરી જૂના સ્તરે પહોંચે તેવા કોઈ સંકેતો નથી.

ખરીદદારો માટે શું સલાહ છે?

જો તમે લગ્નપ્રસંગ કે લાંબાગાળાના રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હોવ, તો ભાવમાં મોટા ઘટાડાની રાહ જોવી જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે એકસાથે મોટી ખરીદી કરવાને બદલે કટકે-કટકે ખરીદી કરવી વધુ સમજદારીભર્યું છે.