Gold Price: વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો નવી ઊંચાઈઓ સર કરી રહી છે. સામાન્ય જનતા માટે સોનું ખરીદવું હવે એક મોટો પડકાર બની ગયો છે. પરંતુ, શું તમે જાણો છો કે સોનાના ભાવ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે? નિષ્ણાતોના મતે, આ વધારા પાછળ અમેરિકાની આક્રમક વ્યાપાર નીતિઓ, ભૂરાજકીય તણાવ અને બદલાતા વૈશ્વિક આર્થિક સમીકરણો જવાબદાર છે.
1) ટ્રમ્પની વ્યાપાર નીતિ અને ટેરિફ યુદ્ધ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની નીતિઓએ વિશ્વ વ્યાપારમાં અસ્થિરતા લાવી દીધી છે. ટ્રમ્પે ગ્રીનલૅન્ડ મુદ્દે નાટો દેશો સાથે તણાવ વધાર્યો છે. સાથે જ, ચીન અને કૅનેડા જેવા દેશો પર 100 ટકા સુધીના આયાત શુલ્ક (ટેરિફ) લાદવાની ચેતવણી આપી છે. જ્યારે પણ વિશ્વમાં વ્યાપારી અસ્થિરતા સર્જાય છે, ત્યારે રોકાણકારો શેરબજાર છોડીને સોનાને 'સલામત આશ્રયસ્થાન' (Safe Haven) માની તેમાં રોકાણ વધારે છે, જેનાથી ભાવ વધે છે.
2) ડોલર પરથી ઘટતો વિશ્વાસ: દેશો સોના તરફ વળ્યા
અર્થશાસ્ત્રી આનંદ શ્રીનિવાસનના મતે, સોનાના ભાવમાં તેજીના બીજ જો બાઇડનના શાસનકાળ દરમિયાન રોપાયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયાની વિદેશી સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી હતી. આ ઘટનાથી રશિયા, ચીન અને તુર્કી જેવા દેશોમાં ડર પેઠો કે ભવિષ્યમાં તેમની સંપત્તિ પણ ફ્રીઝ થઈ શકે છે. પરિણામે, આ દેશોએ પોતાની બચત ડોલરને બદલે સોનામાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું, જેનાથી સોનાની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો.
3) વ્યાજ દરોમાં ઘટાડો અને સેન્ટ્રલ બેંકોની ખરીદી
સામાન્ય રીતે જ્યારે અમેરિકામાં વ્યાજ દર વધે ત્યારે સોનાના ભાવ ઘટે છે, પરંતુ હાલમાં સ્થિતિ ઉલટી છે. વ્યાજ દરો ઊંચા હોવા છતાં વિશ્વની સેન્ટ્રલ બેંકો (જેમ કે પોલેન્ડ, જેણે તાજેતરમાં ૧૪૦ ટન સોનું ખરીદ્યું) સતત સોનું ખરીદી રહી છે. હવે જ્યારે અમેરિકા આ વર્ષે વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરે તેવી શક્યતા છે, ત્યારે સોનાના ભાવમાં વધુ મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી સંભાવના છે.
4) ભારતમાં સોનું કેમ વધુ મોંઘું છે? (રૂપિયાનું અવમૂલ્યન)
ભારતીયો માટે સોનું અન્ય દેશોની સરખામણીએ વધુ મોંઘું સાબિત થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ રૂપિયાનું ઘસાતું મૂલ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું ડોલરમાં ખરીદાય છે. જ્યારે ડોલર સામે રૂપિયો નબળો પડે, ત્યારે ભારતે સોનું આયાત કરવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે છે. આમ, વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધવાની સાથે રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આગામી સમય કેવો રહેશે?
નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી રશિયા-યુક્રેન વિવાદ અને અમેરિકાની ટેરિફ નીતિઓ શાંત નહીં થાય, ત્યાં સુધી સોનામાં તેજી યથાવત રહેશે. ભારત જેવા દેશોમાં લગ્નની સિઝનને કારણે માંગ વધુ રહેતી હોવાથી સ્થાનિક સ્તરે ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા હાલમાં ઓછી દેખાઈ રહી છે.
